Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોએ એક ઢોર પકડવા માટે ખર્ચ્યા રૂા.6620 !!

જામ્યુકોએ એક ઢોર પકડવા માટે ખર્ચ્યા રૂા.6620 !!

ઓગષ્ટમાં જામ્યુકોની ચાર ટુકડીના 32 માણસોએ પકડયા માત્ર 58 ઢોર, જયારે માણસો પાછળ ખર્ચ કર્યો રૂા. 3.84 લાખ : ઢોરની ઢીંકથી એક વર્ષમાં 3 વ્યકિતના મોત છતાં એક પણ ફોજદારી ફરિયાદ નહીં

- Advertisement -

રઝળતાં ઢોર મામલે રાજય સરકાર સતત ભીંસમાં આવી રહી છે ત્યારે જામનગર મહાપાલિકાએ ઓગષ્ટમાં શહેરમાંથી એક ઢોર પકડવા પાછળ સરેરાશ 6620 રૂપિયા ખર્ચી નાખ્યા છે. મહાપાલિકા દ્વારા લોકોને ઢોરના ત્રાસમાંથી મુકિત અપાવવા માટે રઝળતા ઢોર પકડવા માટે ચાર ટુકડીની રચના કરવામાં આવી છે. આ ટુકડીઓએ ઓગસ્ટ માસ દરમ્યાન માત્ર 58 ઢોર પકડયા છે. જે સામે મહાપાલિકા ઢોર પકડ કર્મચારીઓને મહિને પગાર પેટે 3.84 લાખ રૂપિયા ચૂકવશે. આમ એક ઢોર પકડવા પાછળનો ખર્ચ થયો રૂા. 6620 !

- Advertisement -

જામનગર મહાપાલિકાની સોલિડ વેસ્ટ શાખાના કાર્યપાલક ઇજનેરની સત્તાવાર યાદી અનુસાર શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ તેમજ શહેરીજનોને ઢીંકે ચડાવતાં રઝળતા ઢોરનો ત્રાસ દુર કરવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઢોર પકડવા માટે કુલ 4 ટીમની રચના કરવામાં આવી છે. જે બે શિફટમાં કામગીરી કરી રહી છે. સોલિડ વેસ્ટ વિભાગના જણાવ્યા અનુસાર ઓગષ્ટ દરમ્યાન અત્યાર સુધીમાં આ 4 ટુકડીઓ દ્વારા કુલ 58 ઢોરને પકડવામાં આવ્યા છે. જયારે ચાલુ વર્ષ દરમ્યાન અત્યાર સુધીમાં 1186 ઢોરને પકડવામાં આવ્યા છે. પકડાયેલા ઢોર પૈકી 745 ઢોરને અમદાવાદ સ્થિત ગોપાલકૃષ્ણ જનકલ્યાણ સેવા ટ્રસ્ટની પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યા છે. વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ઢોર પકડવા માટે બનાવવામાં આવેલી 4 ટુકડીઓ દરેક ટુકડીમાં 8-8 માણસો રાખવામાં આવ્યા છે.

આમ કુલ 32 માણસો શહેરમાંથી ઢોર પકડવાની કામગીરી કરી રહયા છે. આ માણસોને ઢોર પકડવા માટે મહિને સરેરાશ રૂા. 12000નું મહેનતાણું ચૂકવવામાં આવે છે. જે અનુસાર મહિને ખર્ચ થાય રૂા. 3.84 લાખ આટલું ખર્ચ કર્યા બાદ મહાપાલિકાની આ ટુકડીઓએ ઓગષ્ટમાં માત્ર 58 ઢોરને પકડયા છે. જેનો હિસાબ લગાવીએ તો એક ઢોરને પકડવા માટે જામ્યુકો રૂા. 6620 ખર્ચી રહ્યું છે.નાગરિકોના મહામૂલા ટેકસમાંથી ખર્ચવામાં આવતી આટલી મસમોટી રકમ છતાં શહેરીજનો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહયા છે. એટલું જ નહીં શહેરમાં રઝળતાં ઢોરની સમસ્યા પણ જેમની તેમ હોય તેવું જણાઇ રહ્યું છે. એક મહિનામાં 4 ટુકડીઓ દ્વારા માત્ર 58 ઢોર પકડવા તેને સઘન ઝુંબેશ કહેવાય? આ ઉપરાંત મહાપાલિકાની સોલિડ વેસ્ટ શાખા જયારે પણ રઝળતાં ઢોર અંગેની પ્રેસ યાદી બહાર પાડે છે ત્યારે ઢોર માલિકો સામે ફોજદારી કાર્યવાહી કરવાની પોકળ ધમકીઓ આપ્યા રાખે છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી જામ્યુકોએ શહેરમાં એક પણ ઢોર માલિક સામે ફોજદારી ફરિયાદ નોંધાવી નથી. જયારે કે આ સમયગાળા દરમ્યાન અડધો જેટલી ઘટનાઓમાં રઝળતા ઢોર શહેરીજનોને હડફેટે લઇ ચૂકયા છે. જે પૈકી 3 વ્યકિતના મૃત્યુ પણ નિપજયાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular