Friday, December 13, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક, શરૂઆત ગુજરાતથી ?

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક, શરૂઆત ગુજરાતથી ?

ગુજરાતમાં કેસ 24 કલાકમાં ડબલ, દિલ્હી અને મુંબઇમાં દોઢ ગણા થયાં

- Advertisement -

વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચાવી રહેલાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટે હવે ભારતમાં પણ કોરોનાની ત્રીજી લહેરની દસ્તક આપી દીધી છે. ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક રાજયોમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસ માત્ર 24 કલાકમાં ડબલ થયા છે. ગુજરાતમાં જે ઝડપે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે જોતાં દેશમાં ત્રીજી લહેરની શરૂઆત ગુજરાતથી થઇ રહી હોય તેવું જણાઇ રહયું છે. બીજી તરફ રાજધાની દિલ્હીમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે. જેને કારણે દિલ્હીમાં કોરોનાનું યેલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. શાળા, કોલેજો, થિયેટર, બંધ કરી દેવામાં આવ્યા છે. જયારે મોલ અને દુકાનોમાં ઓડ ઇવન પધ્ધતિ લાગુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય સેવાઓને પણ સજજ કરવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 9,195 કેસ નોંધાયા છે. આ દરમ્યાન ગુજરાત, દિલ્હી અને મુંબઇમાં સંક્રમણનો દર ખૂબ જ ઉંચો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2172 નવા કેસ નોંધાયા હતા, આ સાથે કુલ દર્દીની સંખ્યા વધીને 66 લાખ 61 હજાર 486 થઈ ગઈ છે. મુંબઈમાં કોરોનાના 1680 નવા કેસ સામે આવ્યા હતા. એના એક દિવસ પહેલાં સોમવારે પણ મહારાષ્ટ્રમાં કોરોનાના 1426 નવા કેસ નોંધાયા હતા, એમાંથી 788 એકલા મુંબઈ જ નોંધાયા હતા. દેશમાં કોરોના મહામારીને કારણે મૃત્યુઆંક વધીને 4 લાખ 80 હજાર 290 થઈ ગયો છે. આ તરફ દિલ્હીમાં પણ એક જ દિવસમાં કોરોનાના 500 કેસ નોંધાયા છે.

- Advertisement -
  • વધતાં સંક્રમણ અંગે આજે પ્રધાનમંત્રી કરશે કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક

કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના વધતા સંક્રમણને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંત્રી પરિષદ સાથે મહત્વની બેઠક કરશે. આ બેઠક સાંજે 4 વાગ્યે થવાની સંભાવના છે. મળતી માહિતી પ્રમાણે બેઠકમાં બધા મંત્રી સામેલ થશે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, આ સમય દરમિયાન પીએમ આગામી વર્ષમાં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ અંગે ચર્ચા કરશે અને ઓમિક્રોનના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરશે.

આ અગાઉ પણ પીએમ મોદી ગુરૂવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી ચૂક્યા છે. આ બેઠકમાં પીએમએ અધિકારીઓને વધુ સાવધાની રાખવાની સલાહ આપી હતી. પીએમએ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે, ડેલ્ટાની સરખામણીમાં 3 ઘણો વધારે સંક્રમણ ફેલાવનાર ઓમિક્રોનનો સામનો કરવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ અને જિલ્લા અને તાલુકા સ્તરે પણ તકેદારી રાખવી જોઈએ. દેશમાં ઓમિક્રોન ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્થિતિ એ છે કે આ સંક્રમણ જોત- જોતા જ 21 રાજ્યોને પોતાની ઝપેટમાં લઈ ચૂક્યો છે. હાલની સ્થિતિમાં દેશમાં 650થી વધુ લોકો ઓમિક્રોનથી સંક્રમિત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular