દ્વારકા નજીક શિવરાજપુર ગામ પાસે રોડ ક્રોસ કરતી વખતે મોટરકારચાલકે તરૂણને હડફેટે લેતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, દ્વારકા તાબેના વરવાળા ગામે રહેતો યુવરાજ હધાભા નાયાણી નામનો 16 વર્ષનો તરુણ તેના નાનાભાઈ વિરાટ હધાભા નાયાણી (ઉ.વ. 11) સાથે સોમવાર તા. 2 ના બપોરના સમયે નજીકમાં આવેલા એક ફાર્મમાં સાયકલ લઈને નહાવા ગયો હતો. ત્યારે રોડ ક્રોસ કરતી વખતે શીવરાજપુર ગામ નજીકના હાઈવે માર્ગ પરથી જઈ રહેલા આ બંને તરુણ ભાઈઓને આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 03 પી.જે. 7442 નંબરના આર્ટિગા મોટરકારના ચાલક રોહિત પ્રમોદપરી ગોસ્વામી (રહે. ધોરાજી) એ અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા યુવરાજભાને દ્વારકા ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. જ્યારે તેના ભાઈ વિરાટને પણ નાની-મોટી ઈજાઓ થતા તેને જરૂરી સારવાર આપવામાં આવી હતી.
આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે મૃતકના દાદીમાં લાડબાઈ પોલાભા નયાણીની ફરિયાદ પરથી કારના ચાલક રોહિત પ્રમોદપરી ગોસ્વામી સામે બીએનએસ અને જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. વિધિની વક્રતા તો એ છે કે મૃતક યુવરાજભાના પિતા તેમજ માતા બંને થોડા સમય પહેલા અવસાન પામ્યા છે. આ બંને તરૂણ ભાઈઓ તેણીના દાદીમાં સાથે રહેતા હતા. આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.


