કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરીકામ કરતાં આદિવાસી યુવાનએ તેની પત્નીને મોબાઇલ ફોન બાબતે આપેલા ઠપકાનું લાગી આવતાં યુવતીએ કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના રાણાપુર તાલુકાના માતાસુલા બડા ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના મોટી નાગજર ગામની સીમમાં આવેલા કાળુભાઇ પટેલના ખેતરમાં મજૂરીકામ કરતાં અનિલભાઇ ચેનસિંહ હટીલા નામના યુવાને તેની પત્ની કસુ અનિલ હટીલા (ઉ.વ.18)ને મોબાઇલ ફોનના ઉપયોગ સંદર્ભે ઠપકો આપ્યો હતો. આ ઠપકાનું મનમાં લાગી આવતાં યુવતીએ ગત્ તા. 18ના રોજ સવારના સમયે તેના ઘરેથી નિકળી જઇ ગામની સીમમાં આવેલી રાજુભાઇના ખેતરના કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. દરમ્યાન પત્ની ઘરેથી ચાલી ગયાની પતિ દ્વારા જાણ કરાયા બાદ પીઆઇ એન. વી. આંબલિયા તથા સ્ટાફે તપાસ આરંભી હતી. દરમ્યાન ખેતરના કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળી આવતાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી એક વર્ષના લગ્નજીવન દરમ્યાન યુવતીએ કરેલા આપઘાતના બનાવમાં કારણ જાણવા તપાસ આરંભી હતી.


