ખંભાળિયા તાલુકાના સલાયા નજીક ખેડૂત યુવાનને રસ્તામાં રોકી પેટ્રોલની મદદ માગવાના બહાને છરી બતાવી રોકડ રકમ ભરેલું પાકીટ ઝૂંટવી લેવાનો બનાવ સામે આવ્યો છે. આ ઉપરાંત બનાવ અંગે પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામમાં રહેતા અને ખેતીકામ કરતા હરદિપસિંહ કારૂભા જેઠવા (ઉ.વ.28) ગત તા. 3 નવેમ્બરના સાંજના સમયે પોતાની સ્પ્લેન્ડર મોટરસાઇકલ લઈને દિવાળીના તહેવાર નિમિત્તે મીઠાઈ અને ફરસાણની ખરીદી કરવા સલાયા ગયા હતા.
સલાયા બજારમાં ખરીદી કર્યા બાદ સાંજે આશરે પાંચેક વાગ્યાના અરસામાં તેઓ મોટરસાઇકલ લઈને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. દરમિયાન સલાયાથી ગોઇંજ તરફ જતા માર્ગ પર સલાયાના એજાજ રજાક સંધાર નામના શખ્સે પોતાની જ્યુપિટર મોટરસાઇકલ રસ્તા વચ્ચે ઊભી રાખી તેમને રોક્યા હતા.
ફરિયાદ મુજબ, આરોપીએ પોતાના જ્યુપિટરમાં પેટ્રોલની જરૂર હોવાનું જણાવતાં હરદિપસિંહે માનવતાની દ્રષ્ટિએ મોટરસાઇકલ ઊભી રાખી હતી. જોકે, ત્યાર બાદ આરોપીએ નજીક આવી નેફામાંથી છરી કાઢીને તેમની પાસે કેટલા રૂપિયા છે તેમ પૂછ્યું હતું. હરદિપસિંહે પોતાની પાસે પૈસા નહીં હોવાનું જણાવતાં આરોપીએ તેમના પેન્ટના ખિસ્સામાં હાથ નાખી પાકીટ ઝૂંટવી લીધું હતું.
આ પાકીટમાં રોકડ રૂ. 2,000 ઉપરાંત આધારકાર્ડની કલર ઝેરોક્ષ તથા અન્ય કાગળો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પાકીટ ઝૂંટવી લીધા બાદ આરોપી પોતાની જ્યુપિટર લઈને સ્થળ પરથી નીકળી ગયો હતો. આટલું જ નહીં, જો તેઓ આ બનાવ અંગે કોઈને વાત કરશે કે પોલીસ ફરિયાદ કરશે તો જીવતો નહીં રહેવા દેવાની ધમકી પણ આપી હોવાનું અને અગાઉ પણ પોતાની સામે અનેક પોલીસ કેસ થયા હોવાનું કહી પોલીસ ફરિયાદથી પોતાને કોઈ ફરક નહીં પડે, પરંતુ ફરિયાદીની જિંદગી બગાડી નાખશે તેવી ધમકી આપ્યાનો આક્ષેપ કરાયો છે. આ ફરિયાદના આધારે સલાયા મરીન પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે.


