Thursday, November 5, 2026
Homeરાજ્યજામનગરમહાનગરપાલિકાની ફટાકડા બજાર માટે વેપારીઓ નિરૂત્સાહી

મહાનગરપાલિકાની ફટાકડા બજાર માટે વેપારીઓ નિરૂત્સાહી

40 પ્લોટ સામે માત્ર 12 વેપારીઓએ રસ દાખવ્યો : જામનગર શહેરમાં ફટાકડા વેચાણના લાયસન્સ માટે વહીવટી તંત્રને મળેલી કુલ 110 અરજીઓ પૈકી 38ને લાયસન્સની મંજૂરી: અન્યની પ્રક્રિયા ચાલુ

દિવાળીના પર્વને હવે ગણતરીના ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે જામનગરમાં ફટાકડા બજાર શરૂ કરવાની તૈયારીઓ હજુ જોઈએ તેવી ગતિ પકડી શકી નથી. એક તરફ ફટાકડાના વેચાણ માટે વેપારીઓ દ્વારા લાયસન્સ મેળવવાની દોડધામ ચાલી રહી છે, તો બીજી તરફ જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદીના પટમાં ફટાકડા બજાર ઊભું કરવાની કરવામાં આવેલી જાહેરાતને વેપારીઓ તરફથી મંદ પ્રતિસાદ સાંપડ્યો છે. મહાનગરપાલિકા દ્વારા 40 પ્લોટ તૈયાર કરવામાં આવ્યા હોવા છતાં અત્યાર સુધીમાં માત્ર 12 જેટલા વેપારીઓએ જ સ્ટોલ ઊભા કરવામાં રસ દાખવ્યો છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવાના અભિગમ સાથે રંગમતી નદીના પટમાં અલગ ફટાકડા બજાર ઊભું કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે નદીના પટમાં સ્થળ નક્કી કરીને અંદાજે 40 જેટલા પ્લોટનું માર્કિંગ કરવામાં આવ્યું હતું. દિવાળીના તહેવાર દરમિયાન એક જ સ્થળે ફટાકડાનું બજાર ઉપલબ્ધ બને અને લોકોને ખરીદીમાં સુવિધા રહે તેવા હેતુથી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. જોકે, વેપારીઓ તરફથી અપેક્ષિત પ્રતિસાદ મળ્યો નથી અને અત્યાર સુધીમાં માત્ર 12 જેટલા વેપારીઓએ જ પ્લોટ મેળવવા માટે રસ દાખવ્યો હોવાનું જાણવા મળે છે.

બીજી તરફ જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડાનું વેચાણ કરવા માટે લાયસન્સ મેળવવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. શહેરમાં કાયમી તેમજ હંગામી ધોરણે ફટાકડાનું વેચાણ કરવા માટે આશરે 110 જેટલી અરજીઓ રજૂ કરવામાં આવી છે. આ પૈકી 38 અરજીઓને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે, જ્યારે બાકીની અરજીઓની ચકાસણી અને મંજૂરીની પ્રક્રિયા હજુ બાકી છે. દિવાળીને ગણતરીના દિવસો બાકી હોવાથી લાયસન્સ મેળવવા માટે વેપારીઓમાં પણ દોડધામ જોવા મળી રહી છે.

- Advertisement -

મહાનગરપાલિકા દ્વારા રંગમતીના પટમાં તૈયાર કરવામાં આવેલા પ્લોટ બહારગામથી આવતા ફટાકડાના વેપારીઓ માટે પણ ફાળવવાનું આયોજન છે. વેપારીઓએ નિયત રકમ મહાનગરપાલિકામાં જમા કરાવ્યા બાદ ડ્રો મારફતે પ્લોટની ફાળવણી કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જોકે, પ્લોટ ફાળવણી અને ફટાકડાના વેચાણ માટે જરૂરી લાયસન્સ મેળવવાની પ્રક્રિયા અલગ હોવાથી વેપારીઓએ બંને પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી બની છે.

દર વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાની ખરીદી માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ધમધમાટ જોવા મળતો હોય છે. પરંતુ આ વખતે દિવાળીના પાંચ દિવસ પૂર્વે પણ ફટાકડા બજારની તૈયારીઓ અને લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ થઈ શકી નથી. એક તરફ 40 પ્લોટ સામે માત્ર 12 વેપારીઓનો રસ અને બીજી તરફ 110 અરજીઓ સામે માત્ર 38ને મંજૂરી મળતાં ફટાકડા બજારની શરૂઆત અંગે અનિશ્ર્ચિતતા જોવા મળી રહી છે. હવે બાકી રહેલી અરજીઓની ચકાસણી અને મંજૂરીની પ્રક્રિયા કેટલી ઝડપથી પૂર્ણ થાય છે તથા ફટાકડાના સ્ટોલ ક્યારથી ધમધમતા થાય છે તેના પર વેપારીઓ અને ગ્રાહકોની નજર મંડાયેલી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular