Wednesday, November 4, 2026
Homeરાજ્યજામનગરકર્મચારી સાથે મારામારી બાદ આજે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી - VIDEO

કર્મચારી સાથે મારામારી બાદ આજે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી – VIDEO

જામનગર શહેરમાં દીવાળીના તહેવાર દરમ્યાન મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા લંઘાવાડના ઢાળિયા પાસે દબાણ હટાવ કામગીરી દરમ્યાન ત્રણ શખ્સોએ કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી કરી, ગાળાગાળી કરી, માર મારી ધમકી આપ્યાના બનાવ બાદ આજે એસ્ટેટ શાખા દ્વારા આ જ વિસ્તારમાં વધુ કડક કાર્યવાહી હાથ ધરી દબાણ હટાવવામાં આવી રહ્યું છે.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં દીવાળીના તહેવાર દરમ્યાન મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગઇકાલે દીપક ટોકિઝથી સુભાષ શાક માર્કેટ સુધીના માર્ગ પર જાહેર રોડ ઉપર ખડકાયેલી રેંકડીઓ દૂર કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમ્યાન મહાપાલિકાના કર્મચારી કિશનભાઇ ગોહિલ દબાણ કરેલી રેંકડીઓ ટ્રેકટરમાં ભરતાં હતાં તે દરમ્યાન રેંકડીધાર અબુમિયા કાદરી નામના શખ્સે આવીને કિશનભાઇ સાથે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. એક તો જાહેર રોડ પર ગેરકાયદેસર દબાણ કરવું અને ઉપરથી મહાનગરપાલિકાના કર્મચારીઓ સામે દાદાગીરી કરી મારામારી કરવી આ રેંકડીધારક અને બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ કર્મચારી સાથે ઝપાઝપી કરી આડેધડ માર માર્યો હતો. જાહેરમાં મહાનગરપાલિકાના કર્મચારીને દબાણ કરી રોડ પર કબ્જો જમાવેલા રેંકડીધારક સહિતના ત્રણ શખ્સો દ્વારા મારામારી કરાતા લોકો એકઠાં થઇ ગયા હતા. દરમ્યાન ત્રણ શખ્સોએ કર્મચારીને પતાવી દેવાની ધમકી પણ આપી હતી.

- Advertisement -

સરાજાહેર થયેલી મારામારીનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. મહાપાલિકાના કર્મચારીને જાહેરમાં માર મારનાર દબાણધારક અબુમિયા કાદરી વિરૂદ્ધ કમલેશભાઇ ગઢવી નામના કર્મચારીએ સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરજમાં રૂકાવટ કરી માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.

અવારનવાર મહાપાલિકાના કર્મચારીઓ સાથે મારામારી કરવાની ઘટના સામાન્ય બની ગઇ છે. જાહેર રોડ ઉપર દબાણ ખડકી દેનારાઓ બેખૌફ બની ગયા છે. તેમને તંત્રની કોઇ પોલીસની કોઇ બીક જ રહી નથી અને બિનદાસ્ત બની મહાપાલિકાના કર્મચારીઓ સાથે મારામારી કરી લે છે. ગઇકાલની ઘટના બાદ મહાપાલિકાના કમિશનર દીપેશ કેડિયા દ્વારા અપાયેલી સૂચનાના આધારે આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ દીપક ટોકિઝથી સુભાષ શાક માર્કેટના રોડ ઉપર બંદોબસ્ત સાથે દબાણ હટાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular