Thursday, October 29, 2026
Homeરાજ્યહાલારજિયો પ્લેટફોર્મના આઇપીઓના ધમાકેદાર લિસ્ટીંગની ધીરૂભાઇ વતન ચોરવાડમાં ઉજવણી

જિયો પ્લેટફોર્મના આઇપીઓના ધમાકેદાર લિસ્ટીંગની ધીરૂભાઇ વતન ચોરવાડમાં ઉજવણી

25 હજારથી વધુ ગ્રામજનોનું સમૂહભોજન અને લોકડાયરો યોજાયો : જિયો માટે ધીરુભાઈએ જોયેલાં સ્વપ્નને અંબાણી પરિવારે અકલ્પનિય પ્રગતિ સાથે સાકાર કર્યુ: પરિમલ નથવાણી

જિયો પ્લેટફોર્મ્સના પબ્લિક ઇશ્યુની 21 ટકા કરતાં વધારે પ્રિમિયમ સાથે ધમાકેદાર અને ઐતિહાસિક લિસ્ટિંગની ધીરુભાઈ અંબાણીના વતન ચોરવાડમાં દ્વિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી થઈ હતી.બુધવારે રાત્રે ચોરવાડમાં 25,000 કરતાં વધારે ગ્રામજનોના સમૂહ ભોજન અને ત્યારબાદ ગુજરાતના ખ્યાતનામ લોકસાહિત્યકારોનો ભવ્ય લોકડાયરો યોજાયો હતો. આ તકે, અંબાણી પરિવારના સભ્ય તરીકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેટ અફેર્સના ડાયરેકટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

બેવડા કાર્યક્રમોની ઉજવણી વચ્ચે ચોરવાડવાસીઓ, અંબાણી પરિવારના જ સભ્ય હોવાની અનુભુતિ કરાવતાં નથવાણીએ સંસ્મણો વાગોળતાં ધીરુભાઈ અને કોકિલાબેન સાથે વર્ષ-1995માં ચોરવાડ અને કુકસવાડાની ત્રિ-દિવસીય મુલાકાત અંગે વાત કરી હતી અને તે સમયના સાથી, સાક્ષીઓને પણ મંચ પરથી ખાસ યાદ કર્યા હતા.

આ તકે અત્યંત ભાવુક અને ભીના સ્વરે તેમણે જણાવ્યું કે,ધીરુભાઈના ડ્રીમ પ્રોજેક્ટ સમી રિલાયન્સ ઈન્ડ્રસ્ટીઝે જે રીતે વૈશ્વિક હરણફાળ પ્રગતિ કરી છે, તે જ રીતે તેમના વધુ એક સ્વપ્ન જિયો પ્લેટફોર્મ્સે પણ વૈશ્વિક સ્તરે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.અંબાણી પરિવારના મોભી મુકેશભાઈ અને તેમના સંતાનો આકાશ, ઈશા અને અનંતે જે રીતે ધીરુભાઈના સ્વપ્નને અકલ્પનિય પ્રગતિ સાથે સાકાર કરી બતાવ્યું છે તે ન માત્ર અંબાણી પરિવાર પરંતુ, દેશ માટે પણ ગૌરવપૂર્ણ વાત છે. ભુતકાળમાં સરી પડતાં તેમણે એ ક્ષણને પણ ખાસ યાદ કરી હતી કે, જે સમયે રિલાયન્સના આઈપીઓ વખતે રોકાણકારોએ ધીરુભાઈ પર વિશ્ર્વાસ મુક્યો હતો એ જ વિશ્ર્વાસ આજે પણ આ પરિવાર પર અકંબધ છે તે જિયોના ધમાકેદાર અને ઐતિહાસિક લિસ્ટિંગ પરથી જણાઈ આવે છે.

- Advertisement -

તેમણે ભૂતકાળ વાગોળતા ઉમેર્યું કે, ધીરુભાઈ જયારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ લાવ્યા ત્યારે તેમણે ચોરવાડવાસીઓને શેર આપવાથી લઈ તેમની તમામ નાની-મોટી ખુશીઓમાં સહભાગી બનાવ્યા હતા. આજે તેમના જ સ્વપ્ન એવા જિયો પ્લેટફોર્મ્સની ઐતિહાસિક સફળતામાં પણ અંબાણી પરિવાર ધીરુભાઈના વતનને ભુલ્યું નથી, તેમની બીજી અને ત્રીજી પેઢીએ સયુંક્ત રીતે આ વારસો જાળવ્યો છે. આ ઉપરાંત તેમણે વર્ષ-2017થી કાર્યરત ધીરુભાઈ અંબાણી મેડિકલ અને કમ્પ્યુટર સેન્ટર, એચ.જી.અંબાણી ગર્લ્સ હાઇસ્કૂલ તથા કુકસવાડામાં નવનિર્મિત એચ.જી.અંબાણી હાયર સેક્ધડરી સ્કૂલ સહિત ગ્રામજનોને અંબાણી પરિવાર તરફથી અપાયેલી સુવિધાઓને પણ યાદ કરાવી હતી.

અંતમાં રિલાયન્સ પરિવાર દ્વારા ચોરવાડમાં આયોજિત આ બેવડી ઉજવણીમાં અંબાણી પરિવારના સભ્ય તરીકે ઉપસ્થિત રહેવાની તક આપવા બદલ નથવાણીએ અંબાણી પરિવારનો ફરી આભાર વ્યક્ત કર્યો હતો. આ વૈશ્ર્વિક હરણફાળમાં સહયોગ આપનાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ રિલાયન્સ અને અંબાણી પરિવાર વતી વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -

આ કાર્યક્રમમાં ચોરવાડના 25,000 થી વધુ ગ્રામજનોએ પ્રીતિભોજનનો સ્વાદ માણ્યો હતો. બાદમાં યોજાયેલાં લોકડાયમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને ઉર્વશિબેન રાદડિયાએ પોતાની આગવી શૈલી થકી ઉપસ્થિત હજ્જારો શ્રોતાઓને રીતસર નાચવા મજબૂર કરી દિધા હતા. તો, હાસ્ય કલાકાર હિતેશ અંટાળાએ પોતાની તળપદી ભાષામાં હાસ્ય અને રમુજ રજૂ કરી ઉપસ્થિત સૌને પેટ પકડીને હસાવ્યા હતા. આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા તથા ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular