ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં ઘર બહાર પાર્ક કરેલી બાઇક ચોરીના બનાવમાં સ્થાનિક પોલીસે ચોરાઉ બાઇક સાથે બે તસ્કરોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં ઘરની બહાર પાર્ક કરેલી જીજે10 સીજે 6096 નંબરનું રૂા. 25 હજારની કિંમતનું હોન્ડા બાઇક ગત્ તા. 25ના સાંજથી તા. 26ના સવાર સુધીના 12 કલાક દરમ્યાન અજાણ્યા તસ્કર ચોરી કરી ગયાના બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બાઇક ચોરીના બનાવમાં હે.કો. રાજેશભાઇ મકવાણા, સંજયભાઇ સોલંકી, પો.કો. રઘુવીરસિંહ જાડેજા અને નાગજીભાઇ ગમારાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ડીવાયએસપી પીયૂષ વાંદાના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી. એન. ખાચર, હે.કો. રાજેશભાઇ મકવાણા, હરદેવસિંહ જાડેજા, કલ્પેશભાઇ કામરિયા, સંજયભાઇ સોલંકી, પો.કો. રઘુવીરસિંહ જાડેજા, નાગજીભાઇ ગમારા સહિતના સ્ટાફે ધ્રોલ ગામની સરકારી હોસ્પિટલ પાસેથી બાઇક પર પસાર થતાં ગોવિંદ ભીખુ માવી (રહે. ખજુરડી, જિ. રાજકોટ) અને નરેન્દ્રકુમાર ઉર્ફે મેંદા દિનેશ ચૌહાણ (રહે. ખોડાપીપર, જિ. રાજકોટ) નામના બે શખ્સોને આંતરી લીધા હતા.
બન્ને પાસેથી પોલીસે રૂા. 25 હજારની કિંમતનું જીજે10 સીજે 6096 નંબરનું લૈયારામાંથી ચોરી કરેલું બાઇક તથા બાઇક ચોરવામાં ઉપયોગમાં લેવાયેલ જીજે05 કેએલ 6150 નંબરનું રૂા. 20 હજારની કિંમતનું બાઇક મળી કુલ રૂા. 45 હજારના બે બાઇક તથા રૂા. 10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂા. 55,000ના મુદામાલ સાથે બન્નેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


