રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતો ગંભીર બનાવ સામે આવ્યો છે. શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આજી GIDC ખાતે રાત્રે 8 વાગ્યા આસપાસ કારમાં માસ્ક પહેરેલા લૂંટારુઓએ તન્વી ગોલ્ડ કંપનીના કર્મચારી લાલજીભાઈ સરધારા પર ત્રણ રાઉન્ડ ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કરી અંદાજે એક કિલો સોનું અને ત્રણ કિલો ચાંદીની લૂંટ ચલાવી હોવાની વિગતો સામે આવી છે.આ સોના ચાંદીની બજાર કિંમત આશરે 1.5 કરોડ રૂપિયા જેટલી છે..ગોળીબારમાં ગંભીર રીતે ઘવાયેલા લાલજીભાઈને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાથી રાજકોટના સોની બજારમાં શોક અને આક્રોશની લાગણી પ્રસરી છે.આ સમગ્ર સનસનીખેજ ઘટના CCTV માં પણ કેદ થઈ છે..જેમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે મૃતક લાલજીભાઈ સોના-ચાંદીનો થેલો લઈને એક્ટિવા પર બેસતા જ માસ્ક પહેરેલા બે શખ્સો આવે છે અને લાલજીભાઈ પાસેથી બેગ છીનવીને ભાગવાનો પ્રયાસ કરે છે,લાલજીભાઈ આ શખ્સોને પાછળ ભાગે અને તેમને પકડવાનો પ્રયાસ કરે છે ત્યારે આ લૂંટારુઓમાંથી એક શખ્સ તેમના પર ગોળીઓ ચલાવી મરૂન કલરની કારમા ફરાર થઈ જાય છે..
ઘટનાની જાણ થતાં જ રાજકોટ શહેર પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક તેમજ ડીસીપી કક્ષાના અધિકારીઓ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
View this post on Instagram
પોલીસ અને FSL દ્વારા ઘટનાસ્થળે તપાસ શરૂ કરવામાં આવી છે. આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાનાં ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. લૂંટારુઓ કઈ દિશામાંથી આવ્યા હતા, તેમણે કયા માર્ગનો ઉપયોગ કર્યો હતો અને ઘટના બાદ કઈ દિશામાં નાસી છૂટ્યા હતા તે સહિતની વિગતો મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.
ગંભીર બનાવને પગલે રાજકોટ શહેરની બહાર નીકળતા માર્ગો પર નાકાબંધી કરવામાં આવી છે. લૂંટારુઓને ઝડપી પાડવા માટે અન્ય જિલ્લાઓની પોલીસને પણ ઘટનાની જાણકારી આપવામાં આવી છે.CCTV ફૂટેજ, આરોપીઓના આવવા-જવાના માર્ગો અને અન્ય ઉપલબ્ધ પુરાવાઓના આધારે પોલીસ તપાસ આગળ વધારી રહી છે. આરોપીઓની ઓળખ, લૂંટમાં વપરાયેલી કાર અને ઘટનામાં સંડોવાયેલા શખ્સો અંગેની વધુ વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.
સોનાના વ્યાપારી રમેશભાઈ સાકરિયાએ મીડિયા સાથેની વાતચીતમાં આક્રોશ સાથે જણાવ્યું હતું કે અવાર નવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. વેપારીઓની સુરક્ષા અંગે કોઈ ઠોસ પગલાંઓ નથી લેવામાં આવી રહ્યા. સાથે જ તેઓએ આવતીકાલે રાજકોટ આવી રહેલા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ રજૂઆત કરવા માટે મળવાનો પણ સમય માંગ્યો છે અને વ્યાપારીઓએ માંગ કરી છે આ ઘટનાના આરોપીઓ વિરુદ્ધ યુપી પોલીસ જે રીતે કાર્યવાહી કરે છે તેવી કાર્યવાહી થવી જોઈએ..
આજી GIDC વિસ્તારમાં બનેલી આ ઘટનાએ રાજકોટના વેપારી વર્ગની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. કારમાં આવેલા માસ્ક પહેરેલા શખ્સોએ ફાયરિંગ કરીને લૂંટને અંજામ આપ્યો હોવાની પ્રાથમિક વિગતોને પગલે પોલીસ માટે આરોપીઓને ઝડપી પાડવાનો પડકાર ઊભો થયો છે.
હાલમાં પોલીસ દ્વારા CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. લૂંટમાં સંડોવાયેલા આરોપીઓની ઓળખ, ગુનાનો ચોક્કસ ઘટનાક્રમ અને લૂંટાયેલા સોના-ચાંદીના જથ્થા અંગેની વિગતો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.


