જામનગર તાલુકાના મોટી બાણુગાર ગામમાં સમાજની દીવાલ બાબતે થયેલા હુમલામાં પોલીસે વૃદ્ધ ખેડૂતની 13 શખ્સો સામે વળતી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના મોટી બાણુગાર ગામમાં રહેતાં સુરેશભાઇ નારણભાઇ ગામી (ઉ.વ. 61) નામના વૃદ્ધ ખેડૂત દ્વારા નોંધાવાયેલી ફરિયાદમાં ગામના મુખ્ય દરવાજા પછી ગામ સંયુકતનો સાંસ્કૃતિક હોલ આવેલ છે. આ હોલને ફરતે રમેશ રાજા પારિયા, મુકેશ હીરા મકવાણા, મહેશ જીવા પારિયા, રાજા માવા પારિયા, ગૌતમ દામજી પારિયા, ગૌતમ ઉર્ફે ગીધો અમરશી મકવાણા, ધીરૂ કારા પારિયા, દીપક લાખા, નૈતિક સુરેશ, નીકુંજ મુકેશ, ધીરૂ દામજી, પીન્ટુ નાથા, દેવરાજ ગોહિલ સહિતનાઓ દ્વારા આ સાંસ્કૃતિક હોલની ફરતે દબાણ કરી કાચી ઇંટોની દીવાલ બનાવી દઇ ગામમાં આવવા-જવાનો રસ્તો દબાવી દીધો હતો. જેથી ગામના વૃદ્ધ ખેડૂત સહિતના ગ્રામજનો દ્વારા આ દબાણ હટાવવા માટે સમજાવવા જતાં 13 શખ્સોએ વૃદ્ધ ખેડૂત સહિતના ગ્રામજનોને મારી નાખવાની ધમકી આપી ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે સુરેશભાઇ દ્વારા પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 13 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે હે.કો. એ. જી. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનિય છે કે, આ પ્રકરણમાં ગ્રામજનો વિરૂદ્ધ દીવાલ તોડી પાડવાની ફરિયાદ થઇ હતી.


