આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઝડપથી વિકસતા યુગમાં વિદ્યાર્થીઓને આધુનિક ટેક્નોલોજી સાથે જોડવા અને તેમની સર્જનાત્મક શક્તિને નવી દિશા આપવાના ઉમદા હેતુ સાથે જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત ‘Hour of AI – Vibe Coding Competition’ જેવી અનોખી ટેક્નોલોજી આધારિત સ્પર્ધાનું આયોજન શ્રી એલ. જી. હરિયા સ્કૂલ દ્વારા Vague Foundationના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ નવતર પહેલ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર ટેક્નોલોજીનો ઉપયોગ કરવાને બદલે ટેક્નોલોજીના સર્જક બનવાની અનોખી તક પૂરી પાડવામાં આવી હતી.
જામનગરમાં પ્રથમવાર યોજાયેલી આ પ્રકારની સ્પર્ધાની વિશેષતા એ હતી કે વિદ્યાર્થીઓએ પરંપરાગત પ્રોગ્રામિંગની જટિલ પ્રક્રિયાઓને બદલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી પોતાના વિચારોને કાર્યરત વેબસાઇટમાં પરિવર્તિત કરવાનો પડકાર સ્વીકાર્યો હતો. ‘વાઇબ કોડિંગ’ તરીકે ઓળખાતી આ આધુનિક પદ્ધતિમાં વિદ્યાર્થીઓએ AIને યોગ્ય સૂચનાઓ (Prompts) આપીને, જરૂરી ફેરફારો કરીને અને ટેક્નિકલ સમસ્યાઓનું નિરાકરણ લાવી નિર્ધારિત સમયમર્યાદામાં વેબસાઇટ તૈયાર કરવાની હતી.
સ્પર્ધામાં વિદ્યાર્થીઓને શાળાની વિવિધ વસ્તુઓના ઓનલાઈન વેચાણ માટે ‘AI-Powered School Merchandise Store’ તેમજ પર્યાવરણમૈત્રી ઉત્પાદનો માટે ‘Eco-Friendly Products Store’ જેવા રસપ્રદ અને વ્યવહારુ વિષયો આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પ્રોડક્ટ લિસ્ટિંગ, સર્ચ અને ફિલ્ટર, શોપિંગ કાર્ટ, ઓર્ડર પ્રક્રિયા તથા પેમેન્ટ વિકલ્પો જેવી સુવિધાઓ ધરાવતી વેબસાઇટ વિકસાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે GitHub અને Vercel જેવી આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓને વાસ્તવિક ડિજિટલ પ્રોજેક્ટ તૈયાર કરવાનો અનુભવ પણ પ્રાપ્ત થયો હતો.
View this post on Instagram
આ સ્પર્ધામાં નિખિલ શુક્લ તથા બિપિન રૂપાડિયા એ નિર્ણાયક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન વેબસાઇટની ડિઝાઇન, ઉપયોગિતા, સર્જનાત્મકતા, AIનો અસરકારક ઉપયોગ, ટેક્નિકલ સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા તથા વિદ્યાર્થીઓની વિષય અંગેની સમજ જેવા વિવિધ માપદંડોના આધારે મૂલ્યાંકન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી એલ. જી. હરિયા સ્કૂલના આચાર્ય ધવલ પટ્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેક્નોલોજી સાથે પરિચિત કરાવવા, તેમનામાં તાર્કિક વિચારશક્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવવા તથા શિક્ષણને વધુ વ્યવહારુ અને નવીન બનાવવાની દિશામાં આ આયોજન એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું હતું.
આજે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ અને સંશોધન સહિત દરેક ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી રહ્યું છે, ત્યારે શાળાકક્ષાએ જ વિદ્યાર્થીઓને આવી ટેક્નોલોજીનો પ્રત્યક્ષ અનુભવ કરાવવો સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત બની ગઈ છે. જામનગરમાં પ્રથમ વખત યોજાયેલી આ અનોખી વાઇબ કોડિંગ સ્પર્ધા શહેરના શૈક્ષણિક ક્ષેત્રમાં ટેક્નોલોજી આધારિત શિક્ષણની નવી દિશા દર્શાવતી એક નોંધપાત્ર પહેલ બની રહી છે.
શ્રી એલ. જી. હરિયા સ્કૂલ અને Vague Foundationના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલી આ સ્પર્ધાએ એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે કે આવતીકાલની ટેક્નોલોજીનું ભવિષ્ય માત્ર મોટી કંપનીઓ કે નિષ્ણાતોના હાથમાં જ નહીં, પરંતુ આજની શાળાઓમાં અભ્યાસ કરતા સર્જનાત્મક અને જિજ્ઞાસુ વિદ્યાર્થીઓના હાથમાં પણ છે.
“આજના વિદ્યાર્થીઓ માત્ર ટેક્નોલોજીનો ઉપયોગ નહીં કરે, પરંતુ આવતીકાલની ટેક્નોલોજીનું સર્જન પણ કરશે.”


