કાલાવડ તાલુકાના માખાકરોડ ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા ખેડૂતની નાણાકીય ભીસનો ગેરલાભ ઉઠાવી 3% ના માસીક વ્યાજે રૂપિયા આપી જમીન પચાવી પાડી ધમકી આપ્યાના બનાવમાં રાજકોટના શખ્સ વિરૂઘ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના માખાકરોડ ગામનો વતની અને હાલ રાજકોટ જિલ્લાના ગોંડલ ગામના ખોડીયારનગર વિસ્તારમાં રહેતા ધનજીભાઇ હીરાભાઇ મોરી (ઉ.વ.53) નામના નોકરી અને ખેતી કરતા ખેડૂત પ્રૌઢની નાણાકીય ભીંસ અને લાચારીનો ગેરલાભ ઉઠાવી અલ્પેશ ગોપાલ દોંગા નામના વ્યાજખોરે ખેડૂતને રાજકોટમાં આવેલી તેની પટેલ ઇન્વેસ્ટમેન્ટની ઓફીસે બોલાવ્યા હતાં જ્યાં અલ્પેશ દોંગાએ ધનજીભાઇની માખાકરોડ નવા રેવન્યુ સર્વે નં.102 (જુના રેવન્યુ સર્વે નં.102/પૈકી 3)થી હે.આ.ચો.મી. 1-22-61, એકર3-01 ગુઠા વાળી જમીનનો દસ્તાવેજ સિકયોરીટી પેટે કરાવી લીધો હતો અને ખેડૂત પાસેથી 3 ટકાના માસીક વ્યાજે 48 હજારની પઠાણી ઉઘરાણી કરી હતી. ખેડૂતની જમીનનો દસ્તાવેજ ભારતીબેન રમેશ પરસાણાના નામે કરાવી વિશ્વાસઘાત કર્યો હતો.
તેમજ અમીત પટેલે ખેડૂતને મારી નાખવાની ધમકી આપી તેની પાસેથી એચડીએફસી બેંકનો કોરો ચેક કઢાવી લીધો હતો. તેમજ અમીત પટેલ અને નિમેશ બાબુ રામાણી નામના બે શખ્સોએ ખેડૂતની જમીનનો થયેલો દસ્તાવેજ રદ કરાવી આપવાનું કહી ખેતીની જમીનનો દસ્તાવેજ ફરીથી બાબુ નરશી રામાણીના નામે કરાવી લીધો હતો. આમ મહિલા સહિતના પાંચ શખ્સોએ ખેડૂત પ્રૌઢની જમીન પુર્વઆયોજીત કાવત્રુ રચી પચાવી પાડયાના બનાવમાં પીઆઇ પી.ટી. જેસવાલ તથા સ્ટાફે અલ્પેશ દોંગા આણી કંપની વિરૂઘ્ધ વધુ એક ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


