Friday, October 2, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ‘વાઇલ્ડ આઈઝ’નું અનોખું વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી પ્રદર્શન - VIDEO

જામનગરમાં ‘વાઇલ્ડ આઈઝ’નું અનોખું વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી પ્રદર્શન – VIDEO

12 વર્ષના બાળકથી 67 વર્ષના સિનિયર સિટીઝન સુધીના 23 ફોટોગ્રાફર્સનો સહભાગ : જામનગરની પ્રાકૃતિક સંપદા અને વન્યજીવનને તસવીરોમાં કંડારવાનો પ્રયાસ

જામનગરની સમૃદ્ધ પ્રાકૃતિક સંપદા, વન્યજીવન અને મરીન લાઈફને લોકો સમક્ષ એક અલગ જ નજરિયાથી રજૂ કરવાના હેતુથી જામનગરમાં ‘નેચર લેન્સ સોસાયટી’ દ્વારા ‘વાઇલ્ડ આઈઝ’ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસીય આ પ્રદર્શનમાં જામનગર સહિતના વિસ્તારોમાં વાઈલ્ડલાઈફ અને નેચર ફોટોગ્રાફી સાથે સંકળાયેલા કુલ 23 જેટલા ફોટોગ્રાફર્સે ભાગ લીધો છે.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લો પ્રાકૃતિક સંપદાની દૃષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ છે. અહીં મરીન નેશનલ પાર્ક, બર્ડ સેન્ચ્યુરી સહિતના વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ, જળચર જીવો તથા મરીન લાઈફ જોવા મળે છે. દેશ-વિદેશમાંથી પણ અનેક લોકો જામનગરની વાઈલ્ડલાઈફ અને મરીન લાઈફને નિહાળવા માટે આવે છે. આ સમૃદ્ધ પ્રાકૃતિક વારસાને ફોટોગ્રાફીના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ આ પ્રદર્શન દ્વારા કરવામાં આવ્યો છે.

પ્રદર્શનમાં ખાસ વાત એ છે કે તેમાં 12 વર્ષના બાળકથી લઈને 67 વર્ષના સિનિયર સિટીઝન સુધીના ફોટોગ્રાફર્સ જોડાયા છે. વિવિધ ઉંમરના ફોટોગ્રાફર્સે પોતાના કેમેરામાં કેદ કરેલી વન્યજીવન અને પ્રકૃતિની અદભૂત તસવીરો અહીં પ્રદર્શિત કરી છે. જામનગરના ખીજડિયા વિસ્તારથી લઈને દક્ષિણ આફ્રિકા સુધીના વિવિધ વાઈલ્ડલાઈફ વિસ્તારો અને સેન્ચ્યુરીઓમાં લેવામાં આવેલા ફોટોગ્રાફ્સ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ બન્યા છે.

- Advertisement -

આ પ્રદર્શનના આયોજન પાછળનો મુખ્ય હેતુ માત્ર ફોટોગ્રાફી રજૂ કરવાનો નથી, પરંતુ બાળકો અને યુવાનોને મોબાઈલની દુનિયાથી બહાર લાવી પ્રકૃતિ, પક્ષીઓ અને વન્યજીવન સાથે જોડવાનો છે. યુવા પેઢીમાં બર્ડ વોચિંગ અને નેચર ફોટોગ્રાફી પ્રત્યે રસ વધે તેમજ લોકો પર્યાવરણ અને વન્યજીવનનું મહત્વ સમજે તે દિશામાં પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.

વાઈલ્ડલાઈફ અને નેચર ફોટોગ્રાફર અશ્વિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે જામનગરમાં મરીન નેશનલ પાર્ક, બર્ડ સેન્ચ્યુરી અને વિવિધ પ્રાકૃતિક વિસ્તારોના કારણે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી માટે વિશાળ તકો ઉપલબ્ધ છે. આ પ્રદર્શનના માધ્યમથી લોકો પ્રકૃતિ અને વન્યજીવનને નજીકથી ઓળખે અને તેની સુંદરતા તથા મહત્વને સમજે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

- Advertisement -

નોંધનીય છે કે આશરે 7 વર્ષના અંતરાલ બાદ આ પ્રકારનું ફોટોગ્રાફી પ્રદર્શન ફરીથી યોજાયું છે. ખાસ વાત એ છે કે પ્રદર્શન માટે કોઈપણ પ્રકારની સ્પોન્સરશિપ લેવામાં આવી નથી અને તમામ ફોટોગ્રાફર્સ તથા સહયોગીઓના સ્વખર્ચે અને સહકારથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શન દ્વારા જામનગરની પ્રાકૃતિક અને વાઈલ્ડલાઈફ સંપદાને લોકો સુધી પહોંચાડવાની સાથે પર્યાવરણની સમગ્ર સાંકળને સમજવાનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે. વન્યજીવો અને પ્રકૃતિનું સંરક્ષણ માત્ર સરકારી તંત્રની જવાબદારી નહીં પરંતુ સમાજની પણ સહિયારી જવાબદારી છે તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આયોજકો દ્વારા જામનગર શહેરની જનતાને ત્રણ દિવસીય આ અનોખા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી પ્રદર્શનની મુલાકાત લેવા અને તસવીરોના માધ્યમથી જામનગર સહિત દેશ-વિદેશના વન્યજીવનને અલગ નજરિયાથી નિહાળવા માટે અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular