ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમણે દ્વારકાધીશ મંદિર ખાતે કાળિયા ઠાકોરજી સમક્ષ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન-અર્ચન કરી શ્રીજીની પાદુકાનું પૂજન કર્યું હતું. તેમણે રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી હતી.
દર્શન અને પૂજન બાદ વિધાનસભા અધ્યક્ષે દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટની મુલાકાત લીધી હતી. એસ.ડી.એમ., મંદિરના વહીવટદાર, દ્વારકા પી.આઈ. તેમજ પૂજારીગણ દ્વારા તેમનું સ્વાગત કરી દ્વારકાધીશનું ઉપરણું ઓઢાડવામાં આવ્યું હતું. સાથે જ ભગવાન દ્વારકાધીશની છબી અર્પણ કરી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ શંકરભાઈ ચૌધરીએ મંદિર પરિસરમાં સ્થાનિક આગેવાનો તેમજ ઉપસ્થિત શ્રદ્ધાળુઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ દરમિયાન ભક્તિભાવ સભર વાતાવરણમાં તેમણે સૌ સાથે સંવાદ પણ કર્યો હતો.



