75 કિલો વનસ્પતિ ઘી અને 44 કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો, રહેણાક મકાનમાં જ શંકાસ્પદ દૂધ બનાવવાની કામગીરી ચાલતી હતી. લોકોના રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરી આર્થિક ફાયદો મેળવતા તત્વો સામે જામનગર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામમાં એસ.ઓ.જી. પોલીસે શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવતા એક ધંધાર્થીના રહેણાક મકાન પર દરોડો પાડી મોટી માત્રામાં શંકાસ્પદ સામગ્રી ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ, હરિપર મેવાસા ગામના રબારીવાસ વિસ્તારમાં રહેતા મેરૂભાઈ બધાભાઈ વંશના રહેણાક મકાનમાં એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન મકાનમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાની કામગીરી ચાલુ હોવાનું સામે આવ્યું હતું.
દરોડા દરમિયાન પોલીસને આશરે 486 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ મળી આવ્યું હતું. આ ઉપરાંત 75 કિલો વનસ્પતિ ઘી અને 44 કિલો દૂધ બનાવવાનો પાવડર પણ મળી આવ્યો હતો. આમ, દૂધમાં ભેળસેળ માટે ઉપયોગમાં લેવાતી હોવાની શંકા સાથે મોટી માત્રામાં સામગ્રી મળી આવતા પોલીસ દ્વારા તાત્કાલિક ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવી હતી.
View this post on Instagram
ફૂડ સેફ્ટી ઓફિસર સ્થળ પર પહોંચ્યા બાદ શંકાસ્પદ દૂધના જરૂરી નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને કચેરીની સીલ મારી જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે શંકાસ્પદ દૂધ, વનસ્પતિ ઘી તથા દૂધ બનાવવાના પાવડરનો નાશ કરવામાં આવ્યો હતો. આ મામલે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંબંધિત ધંધાર્થી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને રોજિંદા વપરાશની ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરતા ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવા રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેર અને એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના બળભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, મયુરરાજસિંહ જાડેજા અને નરપાલસિંહ જાડેજાની સંયુક્ત બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.
લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગની આ કાર્યવાહીથી ખાદ્ય ચીજવસ્તુઓના વેપારમાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.


