Saturday, November 14, 2026
Homeરાજ્યજામનગરશંકરાચાર્યજીની ઉપસ્થિતિમાં દ્વારકાથી મોરારી બાપુની ‘ભારત સ્વસ્તિક યાત્રા’નો પ્રારંભ - VIDEO

શંકરાચાર્યજીની ઉપસ્થિતિમાં દ્વારકાથી મોરારી બાપુની ‘ભારત સ્વસ્તિક યાત્રા’નો પ્રારંભ – VIDEO

પૂજ્ય મોરારી બાપુના નેતૃત્વ હેઠળની ‘ભારત સ્વસ્તિક યાત્રા’ના બીજા તબક્કાનો દ્વારકાથી પ્રારંભ થયો છે. આ તબક્કો દ્વારકાથી જગન્નાથ પુરી સુધીની યાત્રાને આવરી લેશે. આ પ્રસંગે દ્વારકા રેલવે સ્ટેશન ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ‘રામચરિતમાનસ’ના પ્રખર વક્તા મોરારી બાપુ, દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ, અન્ય સંતો, પ્રતિષ્ઠિત અતિથિઓ, આયોજક સમિતિના સભ્યો અને મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

આ પહેલ ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે. આ ‘યાત્રા’નો ઉદ્દેશ્ય ‘સનાતન ધર્મ’ના શાશ્ર્વત મૂલ્યો દ્વારા ભારતના વિવિધ પ્રદેશોને એકસૂત્રે બાંધવાનો છે. 14 થી 22 નવેમ્બર દરમિયાન યોજાનારો આ બીજો તબક્કો, 10 થી 23 ઓક્ટોબર દરમિયાન કન્યા કુમારીથી કેદારનાથ સુધી યોજાયેલા પ્રથમ તબક્કા બાદ આગળ વધ્યો છે. પત્રકાર પરિષદને સંબોધતા પૂજ્ય મોરારી બાપુએ કહ્યું, લોકો મને વારંવાર પૂછે છે કે, ‘આટલી બધી મુસાફરી કર્યા પછી શું તમને થાક નથી લાગતો?’ મારો જવાબ સાદો છે. જો પંખાએ બીજાને ઠંડક આપવી હોય, તો તેણે સતત ફરતા રહેવું પડે છે. તેવી જ રીતે, જ્યાં સુધી આપણામાં શક્તિ છે અને વિવિધ ‘પીઠો’ (આધ્યાત્મિક કેન્દ્રો)ના આશીર્વાદ છે, ત્યાં સુધી આપણે પ્રવાસ ચાલુ રાખવો જોઈએ અને સેવા કરતા રહેવું જોઈએ. અમે આ પવિત્ર પીઠના આશીર્વાદ લેવા માટે દ્વારકા આવ્યા છીએ.

- Advertisement -

મારી અગાઉની દ્વારકા મુલાકાત દરમિયાન, મેં ‘બડવાલા આરોગ્ય ધામ’ની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં માનવતાની સેવામાં થઈ રહેલા અદ્ભૂત કાર્યને નિહાળ્યું હતું. તેનાથી પ્રેરિત થઈને, મને નવ દિવસીય ‘રામકથા’ દ્વારા યોગદાન આપવાની ઈચ્છા થઈ. મને એ જણાવતા આનંદ થાય છે કે, ભગવાન દ્વારકાધીશ અને શંકરાચાર્ય પીઠના આશીર્વાદથી 16 થી 24 ઓક્ટોબર, 2027 દરમિયાન દ્વારકામાં ‘રામકથા’નું આયોજન કરવામાં આવશે. વિશેષ આનંદની વાત એ છે કે, પ્રથમ વખત દ્વારકાના પૂજ્ય પૂજારીજી આ કથાના ‘યજમાન’ બનશે.

‘ભારત સ્વસ્તિક યાત્રા’ એ મારો પોતાનો વિચાર નથી. તે એક દિવ્ય પ્રેરણા છે. એક ‘શિવ સંકલ્પ’ (એક પવિત્ર અને શુભ સંકલ્પ) છે. અમે ભગવાન મહાદેવ અને પૂજ્ય શંકરાચાર્યજીઓના આશીર્વાદ સાથે આ યાત્રા શરૂ કરી રહ્યા છીએ. આપણા આધ્યાત્મિક માર્ગદર્શકોના આશીર્વાદ મળવા એ મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે.

- Advertisement -

એક સુંદર સંયોગ એ પણ છે કે, દ્વારકાના જગત મંદિરની ધ્વજા અમારી સાથે જગન્નાથપુરી સુધી જશે. જગત મંદિરથી જગન્નાથ સુધીની આ યાત્રા ભારતની આધ્યાત્મિક સાતત્યતા અને એકતાનું પ્રતીક છે. પ્રભુ આ પ્રયાસને આશીર્વાદ આપે અને આપણને સૌના કલ્યાણ માટે કાર્ય કરવાની પ્રેરણા આપે.

દ્વારકાના શંકરાચાર્યજીની ઉપસ્થિતિએ આ પ્રસંગને ગહન આધ્યાત્મિક મહત્વ પ્રદાન કર્યું. જેમ જેમ આ યાત્રા તેના આગામી ગંતવ્ય સ્થાન તરફ આગળ વધી, તેમ તેમ તે બે પ્રતિષ્ઠિત આદ્યાત્મિક પરંપરાઓના મિલનનું સાક્ષી પણ બની. દ્વારકાના શંકરાચાર્ય, પૂજ્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે જણાવ્યું કે, ’ભારત સ્વસ્તિક યાત્રા’નો બીજો તબક્કો પવિત્ર દ્વારકા ધામથી શરૂ થાય છે. આ તબક્કો અદ્વિતીય સૌંદર્ય ધરાવતા ભવ્ય ‘જગત મંદિર’ અને સમગ્ર બ્રહ્માંડના સ્વામી ભગવાન જગન્નાથને સમર્પિત છે. આ સત્કર્મોનું ફળ છે અને દૈવી કૃપાથી પ્રાપ્ત થયેલ એક સુવર્ણ અવસર છે.

પરમાત્માએ આપણને માનવ જીવનની ભેટ આપી છે, જે અસ્તિત્વના અન્ય કોઈપણ સ્વરૂપ કરતાં અનેકગણું મૂલ્યવાન છે. તેમણે આપણને આ જીવન માત્ર જીવવા ખાતર નથી આપ્યું, પરંતુ એટલા માટે આપ્યું છે કે આપણે આપણા જીવનના ઉદ્દેશ્યને સમજીએ અને આપણાં કર્તવ્યોનું પાલન કરીએ. આપણે વિચારવું જોઈએ કે આપણું કર્તવ્ય શું છે અને પછી તેને પૂર્ણ કરવા માટે કાર્ય કરવું જોઈએ. આપણાં કાર્યો વ્યક્તિગત સ્વાર્થથી પર હોવા જોઈએ અને તે સૌના કલ્યાણમાં સહાયક બનવા જોઈએ.

આપણે દ્વારકા શા માટે જઈએ છીએ? આપણે ‘રામકથા’ (ભગવાન શ્રીરામની કથા) શા માટે સાંભળીએ છીએ? આપણે જગન્નાથપુરીની યાત્રા શા માટે કરીએ છીએ? આપણે આ યાત્રાઓ પાછળ રહેલા ગહન ઉદ્દેશ્યને સમજવો જોઈએ. આપણી શ્રદ્ધા, આપણી સનાતન પરંપરાઓ અને આપણી આધ્યાત્મિક યાત્રાઓ આપણને વધુ સારા માનવી બનવા અને સમાજના સર્વાંગી કલ્યાણ માટે કાર્ય કરવાની પ્રેરણા આપે.

‘ભારત સ્વસ્તિક યાત્રા’ એ કોઈ એક વ્યક્તિ કે સંસ્થા માટેનો પ્રયાસ નથી. આ સૌના કલ્યાણ માટેની એક પહેલ છે, જે સમરસતા, સામૂહિક કલ્યાણ અને ભારતની આદ્યાત્મિક એકતાનો સંદેશ આપે છે. આ યાત્રાના આયોજન અને વ્યવસ્થા પાછળનો મુખ્ય ભાવ ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ છે-એટલે કે, સૌનું કલ્યાણ અને સૌનું સુખ.

પ્રેસ કોન્ફરન્સ બાદ, દ્વારકામાં આ બીજા તબક્કાની પ્રથમ ’રામકથા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે, પૂજ્ય મોરારી બાપુના નેતૃત્વમાં આધ્યાત્મિક કથા-યાત્રાનો પ્રવાસ ‘ભારત સ્વસ્તિક યાત્રા’ના માધ્યમથી આગળ વધ્યો છે.

‘ભારત સ્વસ્તિક યાત્રા’ના આ બીજા ચરણમાં, લગભગ 1000 શ્રદ્ધાળુઓ પૂજ્ય મોરારી બાપુની સાથે બે વિશેષ ટ્રેનો-‘કૈલાશ ભારત ગૌરવ’ અને ‘ચિત્રકૂટ ભારત ગૌરવ’માં મુસાફરી કરી રહ્યા છે. આ ટ્રેનોમાં અનુક્રમે 22 અને 16 કોચ (ડબ્બા) છે. ભગવાન શ્રી કૃષ્ણની પ્રાચીન નગરી અને ચાર પવિત્ર ‘ચાર ધામ’ તીર્થ સ્થળોમાંની એક એવી દ્વારકા, ભારતની આધ્યાત્મિક વિરાસતમાં વિશેષ સ્થાન ધરાવે છે. આ સંદર્ભમાં, જગન્નાથ પુરી તરફ આગળ વધતી આ યાત્રાના બીજા ચરણનો પ્રારંભ આ સ્થળેથી થવો તે વિશેષ મહત્વ ધરાવે છે.

યાત્રાનું આ બીજું ચરણ દ્વારકાથી શરૂ થઈને સોમનાથ, ડાકોર, ઉજ્જૈન, નાગપુર, ચાંપા, માયાપુર અને કોલકાતા થઈને 22 નવેમ્બરે જગન્નાથ પુરી ખાતે સંપન્ન થશે. આ પહેલાં, યાત્રાનું પ્રથમ ચરણ ક્ધયાકુમારીથી શરૂ થઈને કાલાડી, શૃંગેરી, હમ્પી, તુલજાપુર, ઓમકારેશ્વર, ઝાંસી, મથુરા, કુરુક્ષેત્ર, અટારી-વાઘા અને જમ્મુ થઈને કેદારનાથ સુધી પહોંચ્યું હતું.
બંને ચરણોને આવરી લેતી આ ‘ભારત સ્વસ્તિક યાત્રા’ દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular