જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં રહેતાં ખેતમજૂર પરિવારની તરૂણીએ અગમ્ય કારણોસર તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમ્યાન તેણીનું મોત નિપજયાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં રહેતા અને ખેતી કરતાં ખોડાભાઇ માણસુરભાઇ ખરા નામના યુવાનની પુત્રી આસ્થાબેન ખોડાભાઇ ખરા (ઉ.વ.14) નામની અભ્યાસ કરતી તરૂણીએ શુક્રવારે સવારના સાડા આઠ વાગ્યાના અરસામાં તેના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરતા હે.કો. એન. એન. આસાણી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી આપઘાતનું કારણ જાણવા તજવીજ આદરી હતી.


