જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતી ક્ષેત્રે સિંચાઈ માટે વીજળીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. વરસાદના અભાવે ખેડૂતો પાકને બચાવવા માટે પાણીની મોટરો અને સિંચાઈ સાધનોનો વધુ ઉપયોગ કરી રહ્યા છે, જેના પરિણામે જામનગર વર્તુળ કચેરી હેઠળ વીજ માંગમાં મોટો ઉછાળો નોંધાયો છે.
અગાઉ જામનગર વર્તુળ વિસ્તારમાં વીજ માંગ આશરે 380 મેગાવોટ જેટલી હતી, જે હવે વધીને લગભગ 680 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે. એટલે કે વીજ માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વધેલી માંગ પાછળ મુખ્ય કારણ ખેતીવાડી ક્ષેત્રમાં સિંચાઈ માટે વીજળીનો વધેલો વપરાશ હોવાનું સામે આવ્યું છે.
જામનગર વર્તુળ કચેરી હેઠળ આશરે 2 લાખ ખેતીવાડી વીજ ગ્રાહકો આવેલા છે. વરસાદની ખેંચને કારણે ખેડૂતોને પાક બચાવવા માટે સિંચાઈ પર વધુ નિર્ભર રહેવું પડી રહ્યું છે. જેના કારણે દિવસ દરમિયાન પણ વીજળીની માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
ખેડૂતોના પાકને જરૂરી પાણી મળી રહે અને વરસાદના અભાવે પાકને નુકસાન ન થાય તે માટે હાલમાં ખેતીવાડી વીજ જોડાણોને દિવસના આશરે 10 કલાક વીજ પુરવઠો આપવાની કામગીરી ચાલુ છે. વીજ પુરવઠાની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે PGVCL દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
View this post on Instagram
વધેલી વીજ માંગ વચ્ચે ખેતીવાડી ફીડર પર કોઈ ફોલ્ટ સર્જાય અથવા વીજ લાઈનમાં ખામી ઊભી થાય તો તેને ઝડપથી દૂર કરવા માટે PGVCLની ફીલ્ડ ટીમોને સતત કાર્યરત રાખવામાં આવી છે. ફોલ્ટ અંગેની જાણ થતાં જ ટીમો સ્થળ પર પહોંચી વીજ પુરવઠો શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરે તે માટે સૂચનાઓ આપવામાં આવી છે. તેવો વીજવિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યું છે.
વીજ માંગમાં થયેલા વધારા વચ્ચે PGVCL દ્વારા તમામ ફીલ્ડ ઓફિસો અને સંબંધિત ટીમોને સતર્ક રાખવામાં આવી છે. ખેડૂતો તરફથી વીજ પુરવઠા અંગે કોઈ ફરિયાદ કે સમસ્યા આવે તો તેનું તાત્કાલિક નિવારણ થાય તે માટે અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતો માટે સિંચાઈની વીજળી હાલ પાક બચાવવાનો મહત્વનો આધાર બની છે.


