દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે જુદા જુદા વિસ્તારોમાં ચીટર ગેંગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સદગૃહસ્થોને લલચાવીને તેમના સોના-ચાંદીના દાગીના સાફ કરવાના બહાને તેમાંથી સોનુ કાઢી લેવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આને અનુલક્ષીને એલ.સી.બી.ની ટીમે બિહારના રહીશ એવા ચાર શખ્સોને દબોચી લીધા હતા.
આ બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના લાંબા અને રાવલ વિસ્તારમાં રહેતા જુદા જુદા આસામીઓને ત્યાં આવી અને ફિનાઈલ વેચવાના બહાને મહિલાઓને વિશ્વાસમાં લઈને તેમના સોનાના દાગીનાને સાફ કરી, ચોખ્ખા બનાવી આપવાનું કહી ચીટર ટોળકી દ્વારા કેમિકલ મારફતે દાગીનામાંથી સોનું કાઢી લીધું હતું. આ પોલીસ ફરિયાદ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલ.સી.બી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોષી, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને એમ.આર. સવસેટાની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરી હતી. દરમ્યાન એલસીબીની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ અને હ્યુમન સોર્સીસને મળેલી બાતમીના આધારે ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાંથી બિહાર રાજ્યના મૂળ રહીશ અને હાલ રાજકોટ ખાતે રહી અને ફિનાઈલ વેચવાનું કામ કરતા સુબોધસિંગ હિયાલાલસિંગ ખારવા, અને વિકાસકુમાર બિંદેશ્વરપ્રસાદ ઠાકોર તેમજ સોના-ચાંદી સાફ કરવાનું કામ કરતા બિહારના સંતોષકુમારસિંહ સુબોધપ્રતાપસિંહ કુસ્વા અને અનિરુદ્ધ દિનેશ ભોજલ ઠાકુર નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા.
તપાસ દરમિયાન તેમના મકાનમાંથી ઉપરોક્ત ગુનો આચરવા માટે ઉપયોગમાં લીધેલો સર સામાન તથા સોના-ચાંદીના ઢાળિયા વિગેરે મળી આવ્યા હતા. જેથી પોલીસે સોના-ચાંદીના ઢાળ, મોબાઈલ, મોટરસાયકલ તેમજ છેતરપિંડી કરવામાં ઉપયોગમાં લીધેલા એસિડ, વિનાઈલ, બ્રશ, પાઉડર, ફટકડી વિગેરે મળી, કુલ રૂપિયા 89,000નો મુદ્દામાલ કબજે કરી, વધુ તપાસ અર્થે આરોપીઓનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો હતો. આરોપીઓની પૂછતાછમાં તેઓ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જઈને વૃદ્ધ મહિલા ઘરમાં હોય તે ઘરને ટાર્ગેટ કરતા હતા. પ્રથમ તો તેઓ ફિનાઈલ વેચવાના બહાને ઘરમાં પ્રવેશી અને ઘરમાં કોઈ પુરુષ ન હોય તે બાબતનો લાભ લઈને વૃદ્ધ મહિલાઓને ભગવાનની મૂર્તિઓ સાફ કરી આપશે તેમ કહીને પોતાની પાસે રહેલા એસિડ વડે તેઓ મૂર્તિ સાફ કરી તેમાં ફટકડી જેવા પદાર્થથી મૂર્તિને ચમકાવી આપતા હતા. ત્યાર બાદ હાજર મહિલાઓને વિશ્વાસમાં લઈ, પ્રથમ ચાંદી સાફ કરી આપશે તે બાદ સોનું પણ સાફ કરી આપશે તેમ વાતોમાં લઈ પોતાની પાસે રહેલા સરસામાનથી એસિડ વડે ચોક્કસ પ્રક્રિયા કરી સોનુ અને ચાંદી કાઢી લેતા હોવાનું જાહેર થયું છે.
કોઈપણ અજાણ્યા શખ્સો પોતાના ઘરે ફિનાઈલ વેચવાના બહાને કે સોના-ચાંદીની મૂર્તિ વિગેરે સાફ-સફાઈ કરી આપવાની લાલચ આપે તો તેની લાલચમાં ન આવી આવા અજાણ્યા અને પરપ્રાંતિય શખ્સો પર વિશ્વાસ ન મુકવા અને જરૂર પડ્યે તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક સાધવા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આમ જનતાને અનુરોધ કરાયો છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોષી, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને એમ.આર. સવસેટા, એસ.વી. કાંબલીયા, મસરીભાઈ ભારવાડીયા, કિશોરભાઈ નંદાણીયા, જેસલસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, દિનેશભાઈ માડમ, અરજણભાઈ મારુ, દીપકભાઈ રાવલિયા, ગોવિંદભાઈ, ખીમાભાઈ, લાખાભાઈ, મુકેશભાઈ, સહદેવસિંહ, વિશ્વદિપસિંહ, હસમુખભાઈ, શક્તિસિંહ, પ્રકાશભાઈ, સચિનભાઈ, મનહરસિંહ, શૈલેષભાઈ, મહેશભાઈ વિગેરે દ્વારા કરવા માંગી હતી.


