પડાણા ગામ નજીક ઓલિયા પીરની ગોળાઇ પાસેથી પોલીસે મોટરકારમાંથી 55 નંગ દારૂની બોટલો સાથે બે શખ્સને ઝડપી લીધા હતા. મોટરકાર સહિત કુલ રૂપિયા 5,27,500નો મુદામાલ કબ્જે કર્યો હતો. જશાપરથી લતીપર જતાં માર્ગ પર પુલ પાસેથી જોડિયા પોલીસે એક શખ્સને 64 નંગ દારૂના ચપલા સાથે ઝડપી લઇ દારૂના ચપલા, મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 12,300નો મુદામાલ કબ્જે કર્યો હતો.
દારૂના દરોડાની વિગત પ્રથમ દરોડો પડાણા ગામથી આગળ આવેલ ઓલિયા પીરની ગોળાઇ પાસે મેઘપર પડાણા પોલીસે રેઇડ દરમ્યાન મોટરને આંતરી તપાસ હાથ ધરતાં તેમાંથી ગીરૂભા ઇન્દ્રજિતસિંહ જાડેજા તથા જયદીપસિંહ દિલીપસિંહ જાડેજા નામના બે શખ્સો પાસેથી 55 નંગ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે રૂા. 27,500ની કિંમતની 55 નંગ દારૂની બોટલ, રૂપિયા પાંચ લાખની કિંમતની જીજે10 ઇસી 8588 નંબરની સ્વીફ્ટ મોટરકાર સહિત કુલ રૂપિયા 5,27,500નો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓની પૂછરછ દરમ્યાન સપ્લાયર તરીકે ચોટીલાના અજય આહિરનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી હતી.
બીજો દરોડો જશાપરથી લતીપર જતાં માર્ગ પર આવેલ પુલ નજીક એક શખ્સ દારૂનું વેચાણ કરતો હોવાની જોડિયાના એએસઆઇ સી. એલ. ચિહલાને મળેલ બાતમીના આધારે જોડિયા પીઆઇ જે. પી. સોઢા, પીએસઆઇ કે. ડી. જાડેજા, એએસઆઇ સી. એ. ચિહલા, પો.કો. પરેશભાઇ ઠુંગા, નિરવભાઇ જોષી સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન પાગલા ઉર્ફે રમેશ ઢુઢા ચૌહાણ નામના શખ્સને રૂા. 9300ની કિંમતના 64 નંગ વિદેશી દારૂના ચપલા સાથે ઝડપી લઇ રૂપિયા 3 હજારની કિંમતના મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 12,300નો મુદામાલ કબ્જે કર્યો હતો.


