જામનગર શહેર-જિલ્લામાં આજે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વ્હેલી સવારથી જ બહેનોએ ભાઇઓને રાખડી બાંધી હતી. ત્યારે રક્ષાબંધનના પવિત્ર પર્વે જામનગર જિલ્લા જેલમાં કેદી ભાઇઓને રાખડી બાંધવા બહેનો પહોંચી હતી. આ દરમ્યાન જિલ્લા જેલ ખાતે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતાં.
ભાઇ-બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની આજે હાલાર પંથકમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન નિમિત્તે શહેરની બજારોમાં છેલ્લા કેટલાંક દિવસોથી રાખડીઓ, મિઠાઇઓ અને વિવિધ ગિફ્ટની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી. આજે સવારથી જામનગર શહેરમાં રક્ષાબંધનના પર્વને લઇ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બહેનોએ પોતાના ભાઇઓને રાખડી બાંધી દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરી હતી. તો બીજીતરફ જામનગર જિલ્લા જેલમાં પણ કેદી ભાઇઓને તેમની બહેનો રાખડી બાંધી શકે તે માટે જેલ પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. જામનગર જિલ્લા જેલ ખાતે આજે રક્ષાબંધન પર્વને લઇ સવારથી જ બહેનો કેદી ભાઇઓને રાખડી બાંધવા પહોંચી હતી. જેલ પ્રશાસન દ્વારા બહેનો સરળતાથી રાખડી બાંધી શકે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. રાખડી બંધાવ્યા બાદ કેદી ભાઇઓએ પણ બહેનોને ભેટ આપી રક્ષાબંધનના પવિત્ર તહેવારને વધુ યાદગાર બનાવ્યો હતો. જેલની દીવાલો વચ્ચે યોજાયેલ રક્ષાબંધન પર્વની ઉજવણી દરમ્યાન લાગણીસર દ્રશ્યો સર્જાયેલા જોવા મળ્યા હતાં.
View this post on Instagram


