ખંભાળિયા પંથકમાં ત્રણ વર્ષ પહેલાં નોંધાયેલા માદક પદાર્થના કેસમાં સંડોવાયેલા આરોપીને એલસીબીએ મુંબઇમાંથી ઝડપી લઇ જેલહવાલે કરવા તજવીજ આદરી હતી.
આ બનાવની વિગત મુજબ ખંભાળિયા પોલીસ મથકમાં વર્ષ 2023માં નોંધાયેલા ગુનામાં માદક પદાર્થ સંદર્ભે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈના માહીમ વિસ્તારમાં રહેતા ફૈઝલ ઉર્ફે ચાઈ ઈકબાલ અબ્દુલકાદર મીઠા (મેમણ) (ઉ.વ.36) નામના શખ્સનું નામ ખુલવા પામ્યું હતું.
એન.ડી.પી.એસ.ના ગુના સંદર્ભ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલ.સી.બી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ દેવમુરારી અને એમ.આર. સવસેટાની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબી સ્ટાફના એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, જેસલસિંહ જાડેજા, દિનેશભાઈ માડમ, જગદીશભાઈ કરમુર, કુલદીપ સિંહ જાડેજા, લાખાભાઈ પીંડારીયા, વિશ્ર્વદીપસિંહ જાડેજા અને એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. ઈરફાનભાઈ ખીરાની ટીમ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે મહારાષ્ટ્ર રાજ્ય ખાતે તપાસઅર્થે કરવામાં આવેલી કામગીરી દરમિયાન ઈરફાનભાઈ ખીરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે એન.ડી.પી.એસ.ના ગુનાના છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી ફૈઝલ ઉર્ફે ચાઈ ઈકબાલને માહીમ વિસ્તારમાંથી ઝડપી લઇ ખંભાળિયા લાવી વધુ તપાસઅર્થે તેનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે.


