દ્વારકા તાલુકાના મૂળવાસર ગામમાં બાવળની ઝાડીઓ હટાવવા મામલે શખ્સે યુવાનને ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષે બે ભાઇઓ વિરૂદ્ધ પથ્થરના ઘા મારી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ દ્વારકાથી આશરે 18 કિલોમીટર દૂર મૂળવાસર ગામની સીમમાં વાડી ધરાવતા અને હાલ ગઢેચી ગામે રહેતા દિપેશભા સમૈયાભા માણેક (ઉ.વ.29) નામના યુવાનના ભાઈ વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ અંગેનો ખાર રાખીને આરોપી ગોવાભાઈ ધનાભાઈ ચાસિયા (રહે. મૂળવાસર) દ્વારા ફરિયાદી દિપેશભા માણેકના વાડીએ જવાના રસ્તામાં લાકડાની થાંભલી તથા બાવળની ઝાળીઓ રાખી હોય, તે હટાવવાનું કહેતા આરોપી ગોવાભાઈએ તેમને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. સામા પક્ષે ગોવાભાઈ ધનાભાઈ ચાસીયાએ દિપેશભા સમૈયાભા માણેક સામે નોંધાવાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે, ફરિયાદીના દીકરાએ આરોપીના ભાઈ તથા તેમના સંબંધીઓ વિરુદ્ધ અગાઉ પોલીસ ફરિયાદ કરી હતી. જે બાબતનો ખાર રાખીને આરોપી દિપેશભાએ ફરિયાદી ગોવાભાઈના ખેતરમાં ફરિયાદી તથા તેમના પત્ની કામ કરી રહ્યા હતા, ત્યારે પથ્થરના છૂટા ઘા ફેંકી અને બિભત્સ ગાળો કાઢી, ફરિયાદીને મારીને તેના જ ખેતરમાં જીવતો દાટી દેવાની ધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે સંદર્ભે પોલીસે બી.અને.એસ. અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.


