પવિત્ર શ્રાવણ માસના શુભ પ્રારંભ સાથે જ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના ધામમાં 30 દિવસીય ‘શ્રાવણ શિવ મહોત્સવ’નો ઉત્સાહભેર પ્રારંભ થઈ ચૂક્યો છે. શ્રાવણ સુદ એકમથી શ્રાવણ વદ અમાસ સુધી ચાલનારા આ શિવ મહોત્સવ દરમિયાન સમગ્ર સોમનાથ પરિસર ‘હર હર ભોલે’ અને ‘જય સોમનાથ’ના શિવનાદથી ગુંજી ઉઠશે. દેશ-વિદેશથી પધારતા લાખો શ્રદ્ધાળુઓ સુગમતાથી દાદાના દર્શન અને પૂજન કરી શકે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માઇક્રો મેનેજમેન્ટ સાથે બહુસ્તરીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
મુખ્ય આકર્ષણો અને વિશેષ આયોજનો
1. સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ
આ વર્ષના મહોત્સવનું સૌથી વિશેષ પાસું મંદિર પરિસરમાં આયોજિત 30 દિવસીય 51 કુંડી ‘મહામૃત્યુંજય યજ્ઞ’નું મહાઅનુષ્ઠાન છે.સોમનાથ મંદિરની પવિત્ર ભૂમિ પર ચાલનારા આ યજ્ઞમાં માતૃ શક્તિ અને ગૌપાલકોનું પણ વિશેષ યોગદાન રહ્યું છે ગીર સોમનાથ જિલ્લાના ગૌપાલકો દ્વારા ગીર ગાયોના છાણાંનું અનુદાન આપવામાં આવ્યું છે.યજ્ઞ દ્વારા સિદ્ધ થયેલી ભસ્મનું ભક્તોમાં “મહામૃત્યુંજય ભસ્મ” તરીકે વિતરણ કરવામાં આવશે.
2. દૈનિક વિશેષ શૃંગાર, મહાપૂજા અને સ્વાભિમાન શૃંગાર
શ્રાવણ માસ દરમિયાન દરરોજ ભોળાનાથને સવાલાખ બિલવપત્ર શૃંગાર, રુદ્રાક્ષ શૃંગાર, ભસ્મ દર્શન, વૈષ્ણવ દર્શન તથા શ્રી કૃષ્ણ જન્મોત્સવ જેવા અલૌકિક શૃંગારથી સુસજ્જ કરાશે.શ્રાવણના પ્રથમ 3 સોમવાર અને 15મી ઓગસ્ટ (સ્વાતંત્ર્ય પર્વ) નિમિત્તે ખાસ ‘સ્વાભિમાન શૃંગાર’નું આયોજન કરવામાં આવ્યું છે.શૃંગાર સેવા નોંધાવનાર યજમાનોને સોમનાથ ટ્રસ્ટ તરફથી કોમ્પ્લીમેન્ટરી ‘સોમેશ્વર મહાપૂજા’નો લાભ મળશે.
3. સોમનાથ મહાદેવની ભવ્ય પાલખીયાત્રા
પરંપરાગત રીતે યોજાતી પાલખીયાત્રાનો વ્યાપ આ વર્ષે વધારાયો છે. શ્રાવણના ચાર સોમવાર ઉપરાંત પૂર્ણિમા, માસિક શિવરાત્રિ અને અમાસના પવિત્ર દિવસે પણ સોમનાથ મંદિરમાંથી દાદાની પાલખીયાત્રા ધામધૂમથી નિકળશે.
4. ‘વંદે સોમનાથ કલા મહોત્સવ’
ગુજરાત પ્રવાસન વિભાગ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે શ્રાવણના દરેક સોમવારે રાષ્ટ્રીય સ્તરના ખ્યાતનામ કલાકારો દ્વારા નૃત્ય અને સંગીત દ્વારા નટરાજ મહાકાલની સાંસ્કૃતિક આરાધના કરવામાં આવશે.

યાત્રિક સુવિધાઓ અને ડિજિટલ સેવાઓ
- તહેવારોમાં વહેલા દર્શન: સોમવાર તથા મુખ્ય તહેવારોના દિવસે ભક્તો માટે મંદિરના દ્વાર વહેલી સવારે 04:00 વાગ્યે જ ખોલી દેવાશે.
- વન-સ્ટોપ સોલ્યુશન: સંકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા, રુદ્રાભિષેક, પાઠ અને સંકલ્પ માટે એક જ સ્થળેથી બુકિંગ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
- માત્ર ₹25 માં ઘરબેઠાં બિલવ પૂજા: ઓનલાઈન માધ્યમથી બિલવ પૂજા નોંધાવનાર ભક્તોને ઘરેબેઠા ટપાલ દ્વારા રુદ્રાક્ષ અને નમન ભસ્મ મોકલવામાં આવશે.
- દિવ્યાંગ તથા સિનિયર સિટિઝન સેવા: પાર્કિંગથી મંદિર સુધી પહોંચવા માટે મફત ગોલ્ફ કાર્ટ, ટોય ટ્રેન અને વ્હીલ ચેરની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.
- સુચારુ વાહનવ્યવહાર & સ્વચ્છતા: ભાલકાતીર્થથી રામ મંદિર સુધીનો રસ્તો ‘વન-વે’ રખાશે તેમજ મંદિર પરિસર તથા નગરપાલિકા વિસ્તારમાં રાત્રિ સફાઈ ઝુંબેશ ચલાવાશે.
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનું ધામ શ્રાવણ માસ દરમિયાન ભક્તિ અને આધ્યાત્મિકતાના સર્વોચ્ચ શિખરે પહોંચે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી સુચારુ સુરક્ષા, સ્વચ્છતા અને ભક્તલક્ષી સુવિધાઓને કારણે દેશ-વિદેશથી આવતા લાખો શિવભક્તો માટે આ શ્રાવણ ઉત્સવ અવિસ્મરણીય અને ભક્તિમય બની રહેશે.


