જામનગર સહિત હાલાર પંથકમાં આજથી આગામી એક મહિના સુધી શિવમય માહોલ છવાયેલો જોવા મળશે. જામનગર શહેરના અનેક નાના મોટા શિવમંદિરોમાં આજે શ્રાવણ માસનો પ્રારંભ થતાં વહેલી સવારથી જ શિવભક્તો મોટી સંખ્યામાં શિવમંદિરોમાં ઉમટયા હતાં અને શિવાલયોમાં હર હર મહાદેવ અને બમ બમ ભોલેનો નાદ ગૂંજી ઉઠયો હતો.
‘છોટીકાશી’ તરીકે સુપ્રસિદ્ધ જામનગર શહેરમાં પાવન પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં શિવભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે જ આજે સવારથી જ શહેરના અનેક નાના મોટા શિવ મંદિરોમાં શિવભક્તો ભગવાન ભોળાનાથને રિઝવવા ભારે ભીડ જામી હતી. જામનગર શહેરના પુરાણ પ્રસિદ્ધ એવા સિદ્ધનાથ મહાદેવ મંદિર, નગરની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર, કાશિ વિશ્ર્વાથ મહાદેવ મંદિર, કુબેર ભંડારી મહાદેવ, નીલકંઠ મહાદેવ મંદિર, પ્રતાપેશ્ર્વર મહાદેવ મંદિર, હાટકેશ્ર્વર મહાદેવ મંદિર, હજારેશ્ર્વર મહાદેવ મંદિર, જડેશ્ર્વર મહાદેવ મંદિર, બેડેશ્ર્વર મહાદેવ મંદિર, નર્મદેશ્ર્વર મહાદેવ મંદિર સહિતના અનેક નાના મોટા શિવ મંદિરોમાં શિવભક્તોએ દર્શન માટે વહેલી સવારથી જ કતારો લગાવી હતી અને દુગ્ધાભિષેક, જળાભિષેક તથા બિલ્વપત્ર અર્પણ કરી શિવજીની પૂજા અર્ચના કરી હતી. તેમજ શિવજીના પ્રિયા એવા બિલ્વપત્રને મસ્તકે ચઢાવી દર્શનનો લાભ લીધો હતો.
View this post on Instagram
શ્રાવણ માસના પ્રારંભ થતાં શિવભક્તો ભોળાનાથને રિઝવવા જળાભિષેક ઉપરાંત એક મહિના સુધી ઉપવાસ, એકટાણા સહિતના વ્રતો કરશે. તેમજ મંદિરોમાં મહાઆરતી, લઘુરૂદ્ર, મહારૂદ્રી, વિશિષ્ટ શણગાર દર્શન, ધ્વજારોહણ સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થશે. શ્રાવણ માસમાં આ વખતે ચાર સોમવાર સહિત 30 દિવસ સુધી હાલાર શિવભક્તિના રંગે રંગાશે અને શિવભક્તો શિવપૂજા અર્ચનામાં જોડાઇ ધન્યતા અનુભવશે. શ્રાવણ માસને લઇ શિવ મંદિરોમાં રોશનીના શણગાર પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નાગેશ્ર્વર સહિતના વિસ્તારોમાં શ્રાવણ માસને લઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા શિવમંદિરોની બહાર સાફસફાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિરે આવતા શ્રદ્ધાળુ-દર્શનાર્થીઓને કોઇ મુશ્કેલી ન પડે કે કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે શિવ મંદિરોની બહાર પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.


