જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-2 માં આવેલા શિવમ પાર્કમાં કારખાનામાં 12 ફૂટ ઉંડો ખાડો ખોદી યુવાનની હત્યા નિપજાવેલી લાશ દાટી દીધાના બનાવમાં પોલીસે 26 માસ અગાઉની હત્યાનો ભેદ ઉકેલી મૃતકની પત્ની સહિતના ત્રણ શખ્સોની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી અને આ ત્રીપુટીના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા હતાં.
સનસનાટી ભરેલા હત્યાકાંડમાં જામનગરના માધવબાગ વિસ્તારમાં રહેતા જીજ્ઞેશ ધરમશીભાઈ માવદીયા (ઉ.વ.36) નામના યુવાનને બે વર્ષ અગાઉ તેની પત્ની પૃથ્વી ઉર્ફે ભુમિબેન જીજ્ઞેશ માવદીયા, નિલેશ મનસુખ કછટીયા અને નિલેશનો મિત્ર બલવીર દેવરામ વર્મા નામના ત્રણ શખ્સોએ પૂર્વઆયોજીત કાવતરુ રચી જીજ્ઞેશનું કાસળ કાઢી નાખવા 26 માસ પહેલાં દરેડ જીઆઈડીસી ફેસ-2 માં શિવમ પાર્ક વિસ્તારમાં આવેલા કારખાનામાં બોલાવી દારૂમાં સાઈનાઈટ પીવડાવી હત્યા નિપજાવી હતી અને તે પહેલાં જ કાવતરાના ભાગરૂપે કારખાનામાં 12 ફુટ ઉંડો ખાડો ખોદી રાખ્યો હતો જેમાં જીજ્ઞેશને દાટી દીધો હતો અને ત્યારબાદ ઉપર આરસીસી કરી નાખ્યું હતું અને ત્યારબાદ આ કારખાનું પણ પરત સોંપી દીધું હતું. દરમિયાન બે વર્ષથી લાપત્તા રહેલાં જીજ્ઞેશના સંપર્ક માટે તેના સગા ભાઈ અશોક ધરમશીભાઈ માવદીયા તથા પરિવારજનો દ્વારા અવાર-નવાર જીજ્ઞેશની પત્ની પૃથ્વી ઉર્ફે ભુમિબેનને પૂછપરછ કરતા હતાં ત્યારે પૃથ્વી ‘જીજ્ઞેશ નોકરી માટે ઓસ્ટે્રલિયા છે અને ત્યાં તેને કંપનીમાં મોબાઇલ ફોન એલાઉડ નથી અને વાત પણ કરવા નથી મળતી’ તેમ જણાવી બે વર્ષ સુધીનો સમય કાઢી નાખ્યો હતો. અવાર-નવાર જીજ્ઞેશ માટેની પૂછપરછ છતાં તેની પત્ની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો.
આખરે અશોકે જીજ્ઞેશની પત્નીને પોલીસમાં ફરિયાદ કરવાનું જણાવતા પૃથ્વીએ ‘મે તારા ભાઈને બે વર્ષ પહેલાં જ મારી નાખ્યો છે’ તેમ જણાવતા અશોકે સિટી બી ડીવીઝનમાં ગુમનોંધ નોંધાવી હતી. ત્યારબાદ આ તપાસ પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતી હોવાથી એએસપી પ્રતિભાના નેજા હેઠળ પીઆઈ વી જે રાઠોડ તથા સ્ટાફે પૃથ્વીની અટકાયતી કરી પુછપરછ કરતા પૃથ્વીએ તેના પતિ જીજ્ઞેશ માવદીયાની બે વર્ષ પહેલાં દરેડના શિવમ પાર્કમાં આવેલા કારખાનામાં દારૂમાં સાઈનાઈટ પીવડાવી હત્યા નિપજાવી દાટી દીધાની કેફીયતના આધારે પોલીસે કારખાનામાં બે્રકર દ્વારા 12 ફુટ ઉંડો ખાડો ખોદી મૃતક જીજ્ઞેશના કંકાલ બહાર કાઢયા હતાં અને કંકાલ પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતાં. દરમિયાન પોલીસે પૃથ્વી ઉર્ફે ભુમિબેન તેના પ્રેમી નિલેશ મનસુખ કછટીયા અને નિલેશનો મિત્ર બલવીર દેવરામ વર્મા નામના ત્રણ શખ્સોએ હત્યા નિપજાવી હોવાની કેફીયત આપી હતી. પોલીસે આ ત્રણેય હત્યારાઓને અદાલતમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.
View this post on Instagram
પોલીસે રિમાન્ડ દરમિયાન હત્યા નિપજાવવા માટે ઉપયોગમાં લીધેલ સાઈનાઈટ કેવી રીતે મેળવ્યું ? અને કોની પાસેથી મેળવ્યું તથા આ હત્યામાં અન્ય કોઇ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ ? તે અંગેની તપાસ હાથ ધરી હતી તેમજ મૃતકના કંકાલનો ડીએનએ ટેસ્ટ કરાવવા માટે પણ કાર્યવાહી હાથ ધરી હતી.


