વિશ્વ હિન્દુ પરિષદ – દુર્ગાવાહિની અને માતૃશક્તિ જામનગર દ્વારા જયાપાર્વતી વ્રતના જાગરણ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્રતની ભક્તિ, ભારતીય સંસ્કૃતિ અને સંગઠનની શક્તિના અનોખા સંગમ સમો આ ઉત્સવ ગુલાબનગર, સાંઢિયા પુલ પાસે આવેલા યોગેશ્વર મહાદેવ મંદિર ખાતે વરસતા વરસાદ વચ્ચે ઉત્સાહભેર સંપન્ન થયો હતો.
આજના સમયમાં જે રીતે સોશિયલ મીડિયા અને ઓટીટીનું ચલણ વધી રહ્યું છે ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ,વ્રત પરંપરા અને સંસ્કારોનું જતન થાય તે ઉદેશ્યથી આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહેનો માટે વિવિધ ધાર્મિક અને ઐતિહાસિક પાત્રની વેશભૂષા, રાસગરબા સ્પર્ધા અને વિવિધ દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન રાધે ક્રિષ્ના વાળા પૂજ્ય હરિબાપુના પાવન આશીર્વચન પ્રાપ્ત થયા હતા, તેમણે ભારતીય સંસ્કૃતિ, વ્રત-તપનું મહત્વ અને નારી શક્તિના સંગઠન પર વિશેષ ભાર મૂકી અને શપથ લેવડાવ્યા હતા.જ્યારે દુર્ગાવાહિની પ્રાંત ટોળી સદસ્ય કૃપા બેન લાલ દ્વારા દુર્ગાવાહિની પરિચય આપી આવનારા સમયની માંગ અનુસાર દીકરીઓને સ્વ રક્ષણ માટે દુર્ગાવાહિની સાથે જોડવા માટે આહવાન કર્યું હતું.આ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે દુર્ગાવાહિની બહેનો સ્નેહના ચૌહાણ અને નવ્યાબા ચૌહાણ દ્વારા શૌર્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આપણી પરંપરાગત શૈલી અનુસાર ઢોલના તાલ સાથે ગરબા અને હનુમાન ચાલીસા ગાઈને સંઘ પરિવાર માંથી રાજભાઈ અને તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમમાં ભારતીય પરંપરાગત શૈલીની છણાવટ આપી હતી.
આ તકે કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ સૌરાષ્ટ્ર પ્રાંત ટોળી સદસ્ય હીનાબેન અગ્રાવત, અને સ્થાનિક મીરાબેન વડગામાએ ભારે જહમત ઉઠાવી હતી.વ્યવસ્થામાં બજરંગદળ મહાનગર સહ સંયોજક ધ્રુમિલ ભાઈ લંબાટે, સુરક્ષા પ્રમુખ દીપક ભાઈ ચુડાસમા અને બલોપાસના પ્રમુખ મિહિર ભાઈ શીખલીયા તેમજ તેમની ટીમ હાજર રહ્યા હતા. વરસતા વરસાદ વચ્ચે કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સ્થાનિક રહેવાસી દેવિકા પાન વાળા શામજીભાઈ ચૌહાણ અને મોહિતભાઈ ચૌહાણ દ્વારા તાત્કાલિક જગ્યાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. જેથી બહોળી સંખ્યામાં બહેનો જાગરણનો લાભ લઇ શકે.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન દુર્ગાવાહિની માંથી અર્પિતાબેન અને પલકબેન દ્વારા કરવામાં આવ્યું હતું અને સૌની ઉપસ્થિતિ અને ઉત્સાહથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને સાંસ્કૃતિક રંગોથી રંગાઈ ગયું હતું.


