જામનગર શહેરના નીલકંઠ પાર્ક વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી આચરનાર મહિલાને સિટી ‘સી’ ડિવિઝન પોલીસે ઝડપી લઇ તેની પાસેથી રૂા. 1,97,600ની કિંમતનો મુદ્ામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના નીલકંઠ પાર્ક વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી ગત્ તા. 31ના રોજ દિવસ દરમ્યાન રૂા. 1,97,600ની કિંમતની માલમત્તાની ચોરીના બનાવમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આ ચોરીમાં સંડોવાયેલી મહિલા તસ્કર અંગે એએસઆઇ યશપાલસિંહ જાડેજા, હે.કો. યુવરાજસિંહ જાડેજા, વનરાજભાઇ ખવડને મળેલી સંયુક્ત બાતમીના આધારે ઇન્ચાર્જ પીઆઇ આઇ. એ. ધાસુરા, સર્વેલન્સ સ્કવોડના પીએસઆઇ આર. એલ. કંડોરિયા તથા સ્ટાફે બાતમીના આધારે તિરૂપતિ સોસાયટીથી બેડી બંદર રીંગ રોડ તરફ જવાના માર્ગ પર ચોરાઉ મુદ્ામાલ સગેવગે કરવાની ફિરાકમાં રહેલી પૂજાબેન દીપક ગૌસ્વામી નામની મહિલાને પોલીસે ઝડપી લઇ તપાસ હાથ ધરતાં તેની પાસેથી રૂા. 74 હજારની કિંમતની એક જોડી સોનાની બુટી, રૂા. 40 હજારની કિંમતની બે સોનાની વિંટી, રૂા. 45 હજારની કિંમતના ચાર સોનાના પેન્ડલ, રૂા. 12 હજારની કિંમતની સોનાની બાલી, ચાંદીનો સિક્કો એક નંગ, બે જોડી ચાંદીની કડલી, બે ચાંદીની રાખડી, એક જોડી ચાંદીની પાયલ, એક ચાંદીનું બ્રેસલેટ, એક જોડી ચાંદીના સાંકળા તથા રૂા. 10 હજારની રોકડ રકમ સહિત કુલ રૂા. 1,97,600ના મુદ્ામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


