જુવાનપુરથી ભાટિયા જઈ રહેલી રિક્ષાને મામાદેવના મંદિર પાસે ક્રેટા કારના ચાલકે ઠોકર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. કલ્યાણપુર પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં દ્વારકા-ખંભાળિયા હાઈવે રોડ પર વધુ એક રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે. તાલુકાના નંદાણા ગામ નજીક મામાદેવના મંદિર પાસે પૂરઝડપે આવી રહેલી એક હ્યુન્ડાઈ ક્રેટા કારના ચાલકે છકડો રિક્ષાને પાછળથી જોરદાર ઠોકર મારીને પલ્ટી ખવડાવી દીધી હતી. આ ગંભીર અકસ્માતમાં છકડા રિક્ષા ચલાવી રહેલા યુવાનનું માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર ત્રણ મહિલાઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
કલ્યાણપુર તાલુકાના જુવાનપુર (હરિયાવાડ) ગામે રહેતા ભરતભાઇ ગોવિંદભાઇ સોનગરા ગઇકાલે પોતાના ઘરેથી પોતાની છકડો રિક્ષા નં. GJ37 U 1057માં ગામના મણીબેન ભાણજીભાઇ ડાભી, હીરાબેન જેન્તીભાઇ ડાભી તથા ક્રિષાબેન જેન્તીભાઇ ડાભીને બેસાડીને ભાટિયા જવા નીકળ્યા હતા. નંદાણા ગામ નજીક હાઈવે પર આવેલ મામાદેવના મંદિર પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી ક્રેટા કાર નં. GJ18 EB 7765ના ચાલકે છકડો રિક્ષાને પાછળથી જોરદાર ઠોકર મારી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે છકડો રિક્ષા રસ્તા પર પલ્ટી મારી ગઈ હતી. અકસ્માતમાં રિક્ષાચાલક ભરતભાઈ સોનગરાને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર મણીબેન, હીરાબેન અને ક્રિષાબેનને નાની-મોટી ઈજાઓ પહોંચતાં તેઓને સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઈ હેમતભાઇ સોનગરાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ક્રેટા કારના ચાલક સામે ગુનો નોંધી અકસ્માત સર્જયા બાદ ફરાર થઇ ગયેલા કારચાલકને ઝડપવા માટે આગળની કાર્યવાહી આદરી હતી.


