ધ્રોલ ગામમાં રહેતાં શિક્ષક તેના ઘરે કસરત કરતાં હતાં તે દરમિયાન અચાનક હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજયું હતું. કલ્યાણપુર તાલુકાના રાણ ગામના વાડી વિસ્તારમાં રહેતા શિક્ષક યુવાનને બીમારી સબબ નિદ્રાધિન હતા ત્યારે હાર્ટએટેક આવતા મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ ધ્રોલ તાલુકાના સોયલ ગામના વતની અને હાલ ધ્રોલમાં કૃષ્ણનગર સોસાયટીમાં રહેતાં અને શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરીટભાઇ ભગવાનજીભાઇ વિરમગામા (ઉ.વ.48) નામના પટેલ યુવાન રવિવારે સવારના સમયે તેના ઘરે કસરત કરતાં હતા. તે દરમ્યાન અચાનક હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઇ જતાં સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના ભાઇ દિનેશ દ્વારા જાણ કરાતા હે.કો. સી. જે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ દ્વારકા તાલુકાના કલ્યાણપુર વાડી વિસ્તારમાં રહેતા અને રાયમલભા સુમરાભા સુમણીયા (ઉ.વ. 46) નામના હિન્દુ વાઘેર શિક્ષક યુવાનને છેલ્લા કેટલાક સમયથી લીવરની બીમારી હોય, તે દરમિયાન ગત તા. 26 જુલાઈના રોજ રાત્રિના સમયે તેઓ પોતાની કાર રોડની એક સાઇડમાં પાર્ક કરીને તેમાં સૂતા હતા. તે દરમિયાન તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની મૃતકના પત્ની મોંઘીબેન રાયમલભા સુમણીયા દ્વારા જાણ કરાતા દ્વારકા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


