Saturday, July 25, 2026
Homeહેલ્થ એન્ડ વેલનેસચોમાસાની મજામાં જાણો ગટ હેલ્થ સાચવવાની A to Z ફોર્મ્યુલા

ચોમાસાની મજામાં જાણો ગટ હેલ્થ સાચવવાની A to Z ફોર્મ્યુલા

ચોમાસાની ઋતુ એટલે કાળઝાળ ગરમી પછી મળતી ઠંડક, માટીની સુગંધ અને ગરમાગરમ ભજીયા ખાવાની મોસમ. પરંતુ, આ આહલાદક ઋતુ પોતાની સાથે બીમારીઓનો પૂર પણ લાવે છે. ચોમાસામાં હોસ્પિટલોમાં સૌથી વધુ ભીડ પેટના રોગીઓની જોવા મળે છે. તેનું મુખ્ય કારણ છે આપણી નબળી પડતી ‘ગટ હેલ્થ’ .આ ઋતુમાં જો પેટ સાજુ ન હોય, તો વરસાદની મજા સજામાં બદલાતા વાર નથી લાગતી.

- Advertisement -

1. ‘ગટ હેલ્થ’ શું છે ?

આપણા પાચનતંત્રમાં (ખાસ કરીને આંતરડામાં) કરોડો સુક્ષ્મ બેક્ટેરિયા રહે છે, જેને ‘ગટ માઇક્રોબાયોમ’ કહેવાય છે. આમાં સારા અને ખરાબ બંને પ્રકારના બેક્ટેરિયા હોય છે. જ્યારે સારા બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય, ત્યારે આપણી પાચનક્રિયા અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે.

ચોમાસામાં કેમ બગડે છે?

આ દિવસોમાં હવામાં ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે વાયરસ અને બેક્ટેરિયાના ફેલાવો વધારે છે. દૂષિત પાણી કે ખોરાકના માધ્યમથી આ હાનિકારક બેક્ટેરિયા આપણા પેટમાં પ્રવેશે છે અને સારા બેક્ટેરિયાનું સંતુલન બગાડી નાખે છે. પરિણામે, ચોમાસામાં આપણી પાચન શક્તિ કુદરતી રીતે જ ધીમી પડી જાય છે.

- Advertisement -

2. પેટ બગડ્યું છે તેના પ્રારંભિક લક્ષણો

  • જો ચોમાસા દરમિયાન તમારા શરીરમાં નીચેનામાંથી કોઈ પણ ફેરફાર દેખાય, તો સમજી લેવું કે તમારી ગટ હેલ્થ જોખમમાં છે:
  • પેટમાં સતત ગેસ થવો કે એસિડિટી થવી.
  • જમ્યા પછી પેટ ફૂલી જવું.
  • વારંવાર કબજિયાત થવી કે પેટ સાફ ન આવવું.
  • ફૂડ પોઇઝનિંગના કારણે ઝાડા-ઊલટી કે પેટમાં ચૂક આવવી.
  • ખોરાક લીધા પછી લાંબા સમય સુધી ભારેપણું લાગવું.

3. ચોમાસામાં ગટ હેલ્થનો સુપરહીરો : શું ખાવું?

  • આ ઋતુમાં પેટના સારા બેક્ટેરિયાને જીવંત રાખવા અને પાચન અગ્નિ તેજ કરવા માટે ડાયેટમાં આ વસ્તુઓ સામેલ કરો:
  • પ્રોબાયોટિક્સનો ઉપયોગ: બપોરના ભોજનમાં ઘરનું બનાવેલું તાજું દહીં અથવા છાશ જરૂર લો. તે પેટમાં ગુડ બેક્ટેરિયાની સંખ્યા વધારે છે. (નોંધ: રાત્રે દહીં ખાવાનું ટાળવું).
  • રસોડાના મસાલા: આદુ, લસણ, હળદર અને અજમો પાચન માટે અમૃત સમાન છે. તે કુદરતી એન્ટી-બેક્ટેરિયલ છે જે ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે.
  • હળવો અને રાંધેલો ખોરાક: ખીચડી, સૂપ, બાફેલી શાકભાજી જેવો સરળતાથી પચી જાય તેવો ગરમ ખોરાક જ લો.
  • હર્બલ ઉકાળો: દિવસમાં એકવાર ફુદીનો, તુલસી અને આદુ નાખીને ઉકાળેલું પાણી અથવા હર્બલ ટી પીવાની આદત પાડો.

4. શું ન ખાવું?

  • ચોમાસા દરમિયાન જીભના ચટાકા આંતરડા પર ભારે પડી શકે છે, તેથી આટલી વસ્તુઓ ટાળો:
  • રોડસાઇડ સ્ટ્રીટ ફૂડ: ખુલ્લો ખોરાક, પાણીપુરી કે રસ્તા પર મળતા ચાર્ટથી બિલકુલ દૂર રહો. આ ઋતુમાં પાણી જલદી દૂષિત થાય છે, જે કમળો અથવા ટાઈફોઈડ નોતરી શકે છે.
  • પાંદડાવાળા શાકભાજીની બાબતમાં સાવધાની: પાલક, મેથી કે કોબીજ જેવા શાકભાજીમાં ચોમાસામાં ઝીણા જીવડાં અને બેક્ટેરિયા થવાની શક્યતા વધુ હોય છે. જો ખાવા જ હોય, તો તેને ગરમ પાણીમાં બરાબર ધોઈને, રાંધીને જ ખાવા. કાચા સલાડ તરીકે ન લેવા.
  • વાસી અને તળતો ખોરાક: ભેજવાળા વાતાવરણમાં રાંધેલો ખોરાક જલદી બગડી જાય છે. વધુ પડતો તળેલો કે વાસી ખોરાક પચવામાં ભારે પડે છે.

5. માત્ર ખોરાક નહીં, આ આદતો પણ બદલો

  • ગટ હેલ્થનો સીધો સંબંધ આપણી દિનચર્યા સાથે છે:
  • ઉકાળેલું પાણી: પાણી હંમેશા ઉકાળીને અથવા પ્રોપર ફિલ્ટર કરેલું જ પીઓ.
  • જમ્યા પછી વજ્રાસન: બપોરે કે રાત્રે જમ્યા પછી 10 મિનિટ વજ્રાસનમાં બેસવાથી પાચનક્રિયા ઝડપી બને છે.
  • પૂરતી ઊંઘ: અપૂરતી ઊંઘ અને તણાવ (Stress) પેટના હેલ્ધી બેક્ટેરિયાનો નાશ કરે છે, તેથી 7-8 કલાકની શાંત ઊંઘ જરૂરી છે.

પેટ સાજું, તો ચોમાસું તાજું!

ચોમાસાની ઋતુ પ્રકૃતિને માણવાની ઋતુ છે, હોસ્પિટલના ચક્કર કાપવાની નહીં. આપણું પેટ એ સમગ્ર શરીરનું પાવરહાઉસ છે. જો આ પાવરહાઉસ એટલે કે ગટ હેલ્થ મજબૂત હશે, તો કોઈ પણ વાયરસ કે બેક્ટેરિયા આપણને બીમાર નહીં કરી શકે. તેથી, આ ચોમાસે બહારના ચટાકાને ‘ના’ કહીને ઘરના શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકને ‘હા’ કહીએ. તમારી ગટ હેલ્થ સાચવો અને મન મૂકીને વરસાદને માણો!
 
(અસ્વીકરણ: સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular