જામનગર શહેરમાં મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના હેતુથી જામનગર રાજપૂત મહિલા સમિતિ અને રાજ્યમંત્રી રિવાબા જાડેજાના માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનના માધ્યમથી ગૃહ ઉદ્યોગ, નાના-મોટા વ્યવસાય તેમજ વિવિધ પ્રકારના કૌશલ્ય સાથે જોડાયેલી બહેનોને પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન કરી ગ્રાહકો સુધી પહોંચવાનું એક વિશેષ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.
મહિલાઓમાં રહેલી પ્રતિભા અને કૌશલ્યને યોગ્ય દિશા મળે તેમજ તેઓ પોતાના પગભર બની આર્થિક રીતે સશક્ત બને તે ઉદ્દેશ્ય સાથે વર્ષ ૨૦૧૮થી આ પ્રકારના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ૯૦થી વધુ બહેનો અને વિવિધ સ્ટોલ્સને આ માધ્યમથી પોતાની કામગીરી રજૂ કરવાની તક મળી છે. સમગ્ર ગુજરાતમાંથી બહેનો પોતાના ગૃહ ઉદ્યોગો અને વિવિધ કૌશલ્યો સાથે જોડાઈને આ પ્રકારના આયોજનમાં ભાગ લઈ રહી છે.
તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ એક્ઝિબિશનમાં વિવિધ પ્રકારની આકર્ષક ચીજવસ્તુઓના સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેમાં સાડીઓ, કટલરીની વસ્તુઓ, ઘરવપરાશની ચીજવસ્તુઓ સહિત મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવતી વિવિધ પ્રોડક્ટ્સનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ એક્ઝિબિશન માત્ર ખરીદી માટેનું સ્થળ નહીં પરંતુ મહિલાઓના ગૃહ ઉદ્યોગ અને તેમના કૌશલ્યને પ્રોત્સાહન આપતું મંચ બની રહ્યું છે.
View this post on Instagram
રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જામનગરના નગરજનોને આ એક્ઝિબિશનની મુલાકાત લેવા માટે ખાસ અપીલ કરી છે. મહિલાઓ દ્વારા મહેનત અને કૌશલ્યથી ઉભા કરવામાં આવેલા ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે અને વધુને વધુ બહેનો આત્મનિર્ભર બને તે માટે નગરજનો આવા આયોજનમાં સહભાગી બને તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.


