જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની આશંકા વચ્ચે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ત્રણ શંકાસ્પદ બાળ દર્દીઓને દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. ત્રણેય બાળકોની હાલત ગંભીર હોવાથી તેમને બાળરોગ વિભાગના આઈસીયુમાં રાખી નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા સતત મોનિટરિંગ અને વિશેષ સારવાર આપવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લાના એક જ વિસ્તારના બે બાળકો સારવાર હેઠળ છે. તેમાં 11 માસના બાળક અને 2 વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 6 વર્ષની બાળકીને દ્વારકાની હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે.
ત્રણેય બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા તેમના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હાલ ત્રણેય દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી છે. રિપોર્ટ મળ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થશે. હોસ્પિટલ તંત્ર દ્વારા ત્રણેય બાળકોને આઈસીયુમાં રાખીને 24 કલાક વિશેષ દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. બાળરોગ નિષ્ણાંતો સહિતની તબીબી ટીમ સતત બાળકોના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે અને જરૂરી તમામ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
View this post on Instagram
આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. સંબંધિત વિસ્તારોમાં સર્વેલન્સ વધારવાની સાથે જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગે લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ ખાસ કરીને નાના બાળકોની સ્વચ્છતા અને સુરક્ષા અંગે પૂરતી કાળજી રાખવાની અપીલ કરી છે.
તબીબોના જણાવ્યા મુજબ ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરતો રોગ છે. તેથી બાળકોને સ્વચ્છ વાતાવરણમાં રાખવા, શરીર સંપૂર્ણ ઢંકાય તેવા કપડાં પહેરાવવા, મચ્છર અને રેતીમાખી જેવા જીવાતોથી બચાવ કરવો, ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી અને બાળકને તાવ, ઊલટી, આંચકી અથવા બેભાન થવા જેવા લક્ષણો જણાય તો તરત નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવું જરૂરી છે. હાલ ત્રણેય બાળકોની સારવાર જી.જી. હોસ્પિટલમાં ચાલુ છે અને તેમના લેબોરેટરી રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.


