દ્વારકા તાલુકાના વરવાળા ગામના રહીશ એવા એક વેપારીની દુકાનમાંથી ગત શનિવારે રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકી, અહીં જુદા જુદા બે ખાનામાં રાખવામાં આવેલા રૂ. સાડા પાંચ લાખની રોકડ રકમની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકા તાલુકાના વરવાળા ગામે રહેતા અને નજીકના ઓખા રોડ પર સરકારી આરોગ્ય કેન્દ્રની સામે ગોહેલ એન્જિનિયરિંગ નામની દુકાન ધરાવતા વિનોદભાઈ ભીમજીભાઈ ગોહેલ (ઉ.વ. 38) નામના યુવાન શનિવાર તા. 11 ના રોજ રાત્રિના આશરે 8:30 વાગ્યાના સમયે પોતાની દુકાન બંધ કરી અને ઘરે ગયા હતા. આ દુકાનમાં તેમણે તેમની હોટલના કામ ચાલી રહેલા કામમાં સિમેન્ટનું પેમેન્ટ કરવા માટે રાખેલી રૂ. પાંચ લાખની રોકડ રકમ તેમજ ઉપરના ખાનામાં છૂટક વેપારની રાખેલી રૂ. પચાસ હજારની રોકડ રકમ મળી કુલ રૂપિયા સાડા પાંચ લાખની રોકડ રકમ રાત્રિના સમયે કોઈ તસ્કરો તાળા તોડીને ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે વિધિવત રીતે ગુનો નોંધી સ્થાનિક પી.એસ.આઈ. આર.એલ. ચોપડા તેમજ તેમની ટીમ દ્વારા તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


