કલ્યાણપુર તાલુકાના સુઇનેસ ગામના વાડી વિસ્તારમાં ચાલતા જુગારના અખાડા પર એલસીબી પોલીસ ત્રાટકી હતી. પોલીસે રેઇડ દરમ્યાન સાત શખ્સોને રોકડ, મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 2.35 લાખના મુદ્ામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધાં હતાં.
જુગાર દરોડાની વિગત મુજબ એલ.સી.બી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ એલસીબીની તેમની ટીમ દ્વારા રવિવારે હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુર નજીકના સુઈનેસ ગામના વાડી વિસ્તારમાં સુઈનેસ ગામના વાડી વિસ્તારમાં રહેતા સાજણ માણસુરભાઈ ગઢવી નામના શખ્સ દ્વારા પોતાની વાડીએ આવેલા પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી અને તેઓને લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી, તેના બદલામાં નાલ ઉઘરાવીને ગંજીપાના વડે જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી સ્ટાફના એએસઆઈ કિશોરભાઈ નંદાણિયા, ડાડુભાઈ જોગલ અને ખીમાભાઈ કરમુરને મળતા એલસીબીએ રેઇડ કરી હતી.
એલસીબીએ રેઇડ દરમયાન સાજણ માણસુર ગઢવી, ખીમા નારણ ચાવડા, દેશુર અરજણ ચાવડા, ખીમા રાણા પારીયા, વિશાલ શાંતિલાલ દાવડા, શાંતિલાલ ઓધવજી આરંભડિયા અને અશોક નાથાલાલ ઠાકર નામના સાત શખ્સોને દબોચી લીધા હતા. પોલીસે રૂ. 54,200ની રોકડ રકમ તથા રૂ. 30,500ની કિંમતના છ નંગ મોબાઈલ ફોન તથા એક ઈકો મોટરકાર અને એક એક્ટિવા મળી કુલ રૂપિયા 2,34,700નો મુદ્દામાલ કબ્જે કરી, જુગારધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ નિકુંજ જોશી, પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એમ.આર. સવસેટા, એસ.વી. કાંબલિયા, કિશોરભાઈ નંદાણીયા, ડાડુભાઈ જોગલ, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, ખીમાભાઈ કરમુર અને સહદેવસિંહ જાડેજાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.


