જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર ચારમાંથી સિટી ‘બી’ ડિવિઝન પોલીસે દારૂની બોટલો સાથે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાંથી પોલીસે દારૂના ચપટા સાથે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર ચારના રોડ પરથી પસાર થતાં રાજુભા પ્રભાતસિંહ પરમાર (ઉ.વ.39) નામના શખ્સને પીઆઇ ડી. જી. રાજ તથા સ્ટાફએ આંતરીને તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂા. 12,600ની કિંમતની ઇંગ્લીશ દારૂની સાત બોટલ મળી આવતાં પોલીસે રાજુભાની ધરપકડ કરી ગુનો નોંધી આગળની પૂછપરછ આરંભી હતી. બીજો દરોડો જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં સેનોર ચોકડી પાસે આવેલી કેબિનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે એએસઆઇ એસ. એ. જાડેજા તથા સ્ટાફએ રેઇડ દરમ્યાન નાથા કાના મારૂ (ઉ.વ.55) નામના શખ્સની કેબિનમાંથી તલાશી લેતાં તેમાંથી રૂા. 2500ની કિંમતના 20 નંગ ઇંગ્લીશ દારૂના ચપટા મળી આવતાં પોલીસે નાથાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


