જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભૂગર્ભ ગટર સહિત કુલ રૂા. 125 કરોડના કામોને બહાલી અપાઇ હતી. જેમાં 15મા નાણા પંચની ગ્રાન્ટમાંથી રૂા. 122 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ટેન્ડર કમિટીના સભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની સ્ટે. કમિટીની બેઠક ચેરમેન ધીરેનભાઇ મોનાણીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં 15મા નાણાપંચની મળેલી ટાઇડ અને અનટાઇડ ગ્રાન્ટ અન્વયે રૂા. 122.79 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્ય બિલ્ડીંગ ખાતે નવું વાયરીંગ તથા પેનલ અપગ્રેડેશન વર્ક અંગે રૂપિયા 86.89 લાખ, વોર્ડ નંબર 9, 10,11 અને 12 હેઠળના વિસ્તારોમાં હયાત અને કાર્યરત ભૂગર્ભ ગટરના કામ માટે રૂા. 79.18 લાખ, વોર્ડ નંબર 13, 14, 15, 16માં ભૂગર્ભ ગટરના કામ માટે રૂા. 81.42 લાખ તથા વોર્ડ નંબર 6, 7 અને 8માં ભૂગર્ભ ગટરના કામ માટે રૂપિયા 61.36 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.
આ ઉપરાંત સોલિડ વેસ્ટ શાખાના કાયમી સફાઇ કામદાર જિતેશભાઇ ભૂરાભાઇને કેન્સરની બિમારી સબબ આર્થિક સહાય મંજૂર કરવા કમિશનરની દરખાસ્ત અન્વયે રૂા. 75 હજારની મર્યાદામાં આર્થિક સહાય મંજૂર કરાઇ હતી. જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી શાખાઓ ખાતે ટેકનિકલ અને વહીવટી કામગીરી માટે જુદી જુદી જગ્યાઓ ઉપર ફરજ બજાવતાં કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓની નવી નિમણૂંક આપવા અંગે સાત માસ માટે નવી નિમણૂંક આપવાનું મંજૂર કરાયું હતું. અર્બન પ્લાનર તરીકે ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓની નવી નિમણૂંક આપવાનું મંજૂર કરવામાં આવ્યું હતું.
તેમજ ટેન્ડર કમિટીના સભ્યો તરીકે ધવલભાઇ નાખવા, તૃપ્તિબેન ખેતિયા, સંજયભાઇ મુંગરા તથા જિતેશભાઇ શિંગાળાની નિમણૂંક કરાઇ હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કુલ 10 સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઇ ડેર, કમિશનર દીપેશ કેડિયા, સિટી એન્જીનિયર ભાવેશભાઇ જાની, આસિ. કમિશનર (વહીવટ) મુકેશભાઇ વરણવા, આસિસ્ટન્ટ કમિરનર (ટેક્સ) જીજ્ઞેશભાઇ નિર્મલ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.


