દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે હાથ ઉછીના આપેલા નાણાં પરત મેળવવા માટે ઉઘરાણી કરવા ગયેલા દ્વારકાના એક રિક્ષા ચાલક યુવાન પર સ્થાનિક શખ્સોએ ઉશ્કેરાઈ જઈ લાકડાના ધોકા વડે હુમલો કરી, ગાળો ભાંડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો સનસનાટીભર્યો બનાવ કલ્યાણપુર પોલીસ મથકે નોંધાયો છે. ઈજાગ્રસ્ત યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા જામનગરની હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવ્યો હતો.
મૂળ દ્વારકાના ઇસ્કોન ગેટની સામે, કબીર આશ્રમ પાછળ રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગનો ધંધો કરતા દેવિયાભાઇ લખમણભાઇ કારીયા (ઉ.વ.37)એ આરોપી ખીમાભાઇ દેશુરભાઇ લુણાને હાથ ઉછીના પૈસા આપ્યા હતા. ગત તા. 04ના રાત્રિના દશેક વાગ્યાની આસપાસ દેવિયાભાઇ પોતાના આપેલા પૈસાની ઉઘરાણી કરવા માટે આરોપીના રહેણાંક મકાને ગયા હતા. ત્યાં પૈસાની માંગણી કરતા જ આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને દેવિયાભાઇને બેફામ ભુંડી ગાળો આપવા લાગ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ હાથમાં લાકડાનો ધોકો ધારણ કરી દેવિયાભાઇ પર તૂટી પડ્યા હતા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ સાથે જ આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની કડક ધમકી આપી હતી.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા દેવિયાભાઇ કારીયાને તાત્કાલિક વધુ સારવાર અર્થે જામનગર ખાતેની જી. જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર લીધા બાદ ગત તા. 07ના સાંજના સમયે હોસ્પિટલમાંથી રજા મળતા તેઓ પોતાના ઘરે દ્વારકા પરત ફર્યા હતા. સારવારમાં રોકાયેલા હોવાના કારણે ફરિયાદ મોડી નોંધાઈ હતી. ગઈકાલે તા. 08ના રાત્રે 20:45 વાગ્યે ફરિયાદી દેવીયાભાઇ તેમના મિત્ર થાર્યભા ભીખૂભા સાથે કલ્યાણપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે એ.એસ.આઇ. સાંગણભાઇ એમ. ઓડેદરાએ આરોપીઓ ખીમાભાઇ દેશુરભાઇ લુણા, પુંજાભાઇ દેશુરભાઇ લુણા,મઘાભાઇ દેશુરભાઇ લુણા, દેશુરભાઇ ખીમાભાઇ લુણા વિરૂદ્ધ નામના ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યાં છે. વધુ તપાસ એ.એસ.આઇ. વજશીભાઇ કે. પોસ્તરીયા ચલાવી રહ્યા છે.


