જામનગર શહેરમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં જામનગરના પત્રકારને ટુ-વ્હીલર ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી ગંભીર ઇજા પહોંચાડતાં આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ, ગત્ તા.11/06/2026 ના બપોરના સમયે પત્રકાર સંજયભાઈ ઈશ્વરલાલ જાની પોતાના ઘરેથી ચાલીને ગુરુદ્વારા ચોકડી ખાતે નવા ઓવરબ્રિજ નીચે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી લાલબંગલા તરફ રોંગ સાઈડમાં જઈ રહેલા એક ટુ-વ્હીલર ચાલકે પુરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે વાહન ચલાવી તેમને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતના કારણે તેઓ રોડ પર પટકાતાં ડાબા હાથની કોણી પાસે ફ્રેક્ચર સહિત માથાના ભાગે ઇજા પહોંચી હતી.
અકસ્માત સર્જ્યા બાદ ટુ-વ્હીલર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ અકસ્માત સર્જનાર વાહનનો નંબર જીજે-10-ડી.એલ. – 9424 છે. ઇજાગ્રસ્ત સંજયભાઈ જાનીને પ્રથમ સારવાર માટે ડો. એ.ડી.રૂપારેલીયાની ખાનગી ન્યુરો હોસ્પિટલમાં અને ત્યારબાદ વાલકેશ્વરી નગરી માં આવેલી ડો. દિનકર સાવરિયાની હ્રીંમ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે ડો.મહેશ દુધાગરા ની અવધ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ ડાબા હાથની કોણી અને અંગુઠા પાસે બે ફ્રેક્ચર હોવાનું નિદાન કરી પ્લાસ્ટર બાંધી સારવાર આપી હતી.
ફરિયાદીએ પોતાની ડાયાબિટીસની તકલીફ તથા અગાઉ બે વખત બ્રેઇન સ્ટ્રોક આવી ચૂક્યા હોવાથી તાત્કાલિક પોલીસ સ્ટેશન આવી ફરિયાદ નોંધાવી શક્યા ન હોવાનું જણાવતાં સારવાર બાદ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે પોલીસે આરોપી વાહનચાલક સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે સીટી બી ડિવિઝનના પી.આઈ. એન.એમ. ગઢવી અને પો.એસ.આઈ. ડી.જી.રાજના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. પંકજ વાઘેલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.


