જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરતાં સાડા સાત ઈંચ વરસાદ વરસી ગયો હતો. સાડા સાત ઈંચ વરસાદને પરિણામે જામજોધપુરના માર્ગો ઉપર નદીઓ વહેતી જોવા મળી હતી. જેને પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળોએ પાણી ભરાયા હતાં તેમજ ખેતરોમાં પાણી ફરી વળતા જનજીવન પર અસર પહોંચી હતી. વરસાદના પાણીના પ્રવાહમાં એક છકડો રીક્ષા તણાયો હતો. જો કે, ચાલક કે સવાર હાજર ન હોય જાનહાની ટળી હતી. જોડિયા પંથકમાં એક ઈંચ, લાલપુરમાં પોણો ઈંચ તથા કાલાવડમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જામનગર તથા ધ્રોલ તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકો વરસાદની આતૂરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ગ્રામ્ય પંથકોમાં પણ અડધાથી ચાર ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. કાલાવડના નવાગામ તથા જામજોધપુરના વાંસજાળિયામાં ચાર-ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લા સહિત રાજ્યભરમાં મેઘરાજાની પધરામણી શરૂ થઈ ચૂકી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે ગુરૂવારે જામનગર જિલ્લાના કેટલાંક તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી નોંધાવી હતી. ખાસ કરીને જામજોધપુર તાલુકામાં મેઘરાજાની તોફાની બેટીંગથી ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતાં. મેઘાના વ્હાલથી ખેડૂતોની સાથે સાથે લોકો ખુશખુશાલ થયા હતાં અને આકરાં તાપ અને બફારા બાદ મેઘરાજાના આગમનથી લોકોને ગરમીમાં પણ રાહત મળી હતી. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ગઈકાલે બપોરે બે વાગ્યા બાદ વાતાવરણમાં પલ્ટા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને માત્ર ચાર કલાકમાં સાડા છ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં જામજોધપુર જળમગ્ન થયું હતું. આજેસવારે પુરા થતાં 24 કલાક દરમિયાન જામજોધપુર તાલુકામાં અંદાજે સાડા સાત ઈંચ (179 મિ.મી.) વરસાદ વરસી જતાં માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં.
View this post on Instagram
જામજોધપુર પંથકમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. જામજોધપુરની બજારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતાં તો બીજી તરફ વરસાદથી ગરમીમાં રાહત મળતા ખુશીનો માહોલ પણ છવાયો હતો. ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતાં. જામજોધપુર પંથકમાં ધીંગી મેઘમહેરને કારણે અનેક રસ્તાઓ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા જનજીવન પર અસર જોવા મળી હતી. વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં એક છકડા રીક્ષો પણ તણાયો હતો. જેમાં કોઇ ચાલક કે સવાર હાજર ન હોય કોઇ જાનહાની ટળી હતી. આ દ્રશ્યને સ્થળ પર હાજર લોકોએ મોબાઇલમાં કેદ કરતાં તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વારયલ થયો હતો.
જામજોધપુર ઉપરાંત જામનગર જિલ્લાના અન્ય તાલુકાઓની વાત કરીએ તો જોડિયા તાલુકામાં એક ઈંચ, લાલપુર તાલુકામાં પોણો ઈંચ, કાલાવડ તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જામનગર શહેર તથા ધ્રોલ તાલુકો કોળો ધાકોર રહ્યો હતો. જામનગર શહેરમાં બે દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ, વરસાદ ન વરસતા શહેરીજનો આતૂરતાપુર્વક મેઘરાજાની કૃપાની રાહ જોઇ રહ્યા છે. જામજોધપુરમાં વરસાદને પરિણામે નદીનાળા અને ચેકડેમોમાં પણ નવા નીરની આવક થવા પામી હતી. કાલાવડ તાલુકામાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. કાલાવડ-ધોરાજી હાઈવે પરનો ડાયવર્ઝન વરસાદને પરિણામે તૂટી જતાં ટોડા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. ડાયવર્ઝનનું ધોવાણ થતા માર્ગ બંધ થતાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી.
ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ગ્રામ્ય પંથકોમાં પણ અડધાથી ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જામજોધપુર તાલુકાના વાંસજાળિયામાં સવા ચાર ઈંચ, સમાણા અને શેઠવડાળામાં ત્રણ-ત્રણ ઈંચ, જામવાડીમાં ચાર ઈંચ, ધ્રાફામાં પોણો ચાર ઈંચ, પરડવામાં સાડા ત્રણ ઈંચ, ધુનડામાં દોઢ ઈંચ, પીપરટોડામાં એક મિ.મી., કાલાવડ તાલુકાના નવાગામમાં ચાર ઈંચ, મોટા પાંચદેવડામાં એક ઈંચ, ખરેડીમાં અડધો ઈંચ, ભ.બેરાજામાં ચાર મિ.મી., મોટાવડાળામાં બે મિ.મી., નિકાવામાં એક મિ.મી., જોડિયા તાલુકાના હડિયાણામાં અડધો ઈંચ, લાલપુર તાલુકાના ભણગોરમાં અડધો ઈંચ તથા મોટા ખડબા, મોડપર અને હરીપરમાં પણ સામાન્ય વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતાં. આમ, જામનગર શહેર-જિલ્લાના અનેક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે.


