જામનગરમાં તળાવની પાળસ્થિત વિશ્વ ખ્યાતિપ્રાપ્ત બાલા હનુમાન સંર્કિતન મંદિરના નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટના હોદેદારોની અવધિ પૂર્ણ થતાં તાજેતરમાં મળેલી ટ્રસ્ટ બોર્ડની બેઠકમાં આગામી ત્રણ વર્ષની મુદત માટે પ્રમુખ તરીકે શહેરના યુવા ઉદ્યોગપતિ જીતુભાઈ લાલની પુન: વરણી કરવા સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત માનદ્મંત્રી તરીકે પાર્થભાઈ પંડયાની તેમજ ખજાનચી તરીકે પ્રકાશભાઈ તન્નાની પણ વરણી કરવામાં આવી છે. ટ્રસ્ટ બોર્ડના ટ્રસ્ટી ઉદયસિંહ વાઢેરે અંગત કારણોસર રાજીનામું આપતાં તેને મંજૂર કરવામાં આવ્યું હતું અને ટ્રસ્ટી મંડળની આ ખાલી બેઠક પર ગિરીશભાઈ ગણાત્રાની વરણી કરવામાં આવી છે.
ટ્રસ્ટી મંડળની આ બેઠકમાં ફરીવાર પ્રમુખ તરીકે વરણી કરવા બદલ જીતુભાઈ લાલે સૌ ટ્રસ્ટીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં કહયું હતું કે, આ વિશ્વ વિખ્યાત ધર્મસ્થાનમાં આવતાં દર્શનાર્થીઓ તથા ભાવિકજનો માટેની સુવિધા વધારવા માટે સૌના સહકારથી જુદા-જુદા કાર્યો કરવામાં આવશે. આ બેઠકમાં ટ્રસ્ટી મંડળના તમામ સાત સભ્યો ઉપસ્થિત રહયા હતાં.


