સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા જામનગરના કૃષ્ણનગર યુવા ગ્રુપ અને મહિલા સત્સંગ મંડળ દ્વારા આ વર્ષે પણ મૂંગા પશુઓની સેવાને સમર્પિત અનોખો સેવાયજ્ઞ યોજવામાં આવ્યો છે. છેલ્લા 22 વર્ષથી અવિરત ચાલી આવતી આ પરંપરા આ વર્ષે 23મા વર્ષમાં પ્રવેશી છે. ચોમાસા પહેલા મૂંગા પશુઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે મોટા પાયે લાડુ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ સેવાયજ્ઞમાં કૃષ્ણનગર વિસ્તારની મહિલાઓ, યુવાનો અને સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કુલ 1500 કિલો સામગ્રીનો ઉપયોગ કરીને વિશાળ પ્રમાણમાં લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં 900 કિલો ઘઉંનો લોટ, 300 કિલો તેલ અને 300 કિલો ગોળનો સમાવેશ થાય છે. તમામ સામગ્રીને ભેગી કરીને મૂંગા પશુઓ માટે પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત લાડુ બનાવવામાં આવ્યા હતા.
કૃષ્ણનગર યુવા ગ્રુપ દ્વારા તૈયાર કરાયેલા લાડુનું વિતરણ જામનગર શહેર ઉપરાંત આસપાસના પાંચથી છ ગામોમાં કરવામાં આવશે. ખાસ કરીને ગાયો, શ્વાનો અને અન્ય મૂંગા પશુઓને આ લાડુ ખવડાવવામાં આવશે. આ સમગ્ર સેવાકાર્યને સફળ બનાવવા માટે દર વર્ષે અંદાજે 250થી 300 સ્વયંસેવકો ખડેપગે સેવા આપે છે.
View this post on Instagram
આ સેવાયજ્ઞ પાછળનો મુખ્ય હેતુ મૂંગા પશુઓની સેવા કરવો, સમાજમાં પશુપ્રેમ અને કરુણાની ભાવના વિકસાવવી તેમજ પરંપરાગત મૂલ્યોને જીવંત રાખવાનો છે. જૂની માન્યતા મુજબ નિ:સ્વાર્થ ભાવે પશુસેવા કરવામાં આવે તો વરુણ દેવ પ્રસન્ન થાય છે અને સારો વરસાદ થાય છે. સારો વરસાદ ખેતી માટે લાભદાયી બનતો હોવાથી ખેડૂતોને સમૃદ્ધિ મળે છે અને દેશની પ્રગતિમાં પણ યોગદાન મળે છે.
કૃષ્ણનગર યુવા ગ્રુપ માત્ર આ પ્રકારના સેવાયજ્ઞો પૂરતું સીમિત નથી, પરંતુ પૂર, વાવાઝોડા સહિતની કુદરતી આપત્તિઓ કે અન્ય ઇમરજન્સી પરિસ્થિતિઓમાં પણ સેવાકીય કામગીરી માટે હંમેશા આગળ રહે છે. સમાજહિતના વિવિધ કાર્યો દ્વારા ગ્રુપ સતત માનવતા અને સેવાનો સંદેશ પ્રસરાવી રહ્યું છે.
ગ્રુપના આગેવાનો દ્વારા આ સેવાયજ્ઞને સફળ બનાવવા માટે સહયોગ આપનાર મહિલા સત્સંગ મંડળ, યુવા કાર્યકરો અને તમામ સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ અનોખો સેવાયજ્ઞ જામનગરમાં પશુસેવા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.


