જામનગર જિલ્લાના ભરતપુર ગામના વાડી વિસ્તારમાં ખેતરે રહેલાં વૃદ્ધે વાડીમાં ઘેટાં ચરાવવાની ના પાડતાં બે શખ્સોએ વૃદ્ધને જેમ ફાવે તેમ ગાળો કાઢી, લાત મારી પછાડી દીધા હતાં. દરમ્યાન વૃદ્ધના પૌત્ર છોડાવવા આવતાં તેમને પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ભરતપુર ગામમાં રામાપીરના મંદિરવાળી શેરીમાં રહેતાં રવજીભાઇ કલાભાઇ સદાદિયા (ઉ.વ.83) નામના વયોવૃદ્ધ ગઇકાલે સવારના સમયે ગામની સીમમાં આવેલ તેમના ખેતરે હતા. તે દરમ્યાન પેથા ભરવાડ અને થોભણ ભરવાડ નામના બન્ને શખ્સો વૃદ્ધના ખેતરમાં ઘેટાં ચરાવવા આવ્યા હતાં. જેથી વૃદ્ધે ખેતરમાં ઘેટાં ચરાવવાની ના પાડી હતી. આ બાબતે ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ વૃદ્ધને જેમ ફાવે તેમ ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારતા હતાં. દરમ્યાન પેટમાં લાત લાગતા વૃદ્ધ જમીન પર પટકાયા હતાં. દાદાને માર ખાતા જોઇ પૌત્ર સંજય અને વિશાલ દોડી આવ્યા હતાં. દાદાને છોડાવવા જતાં બન્ને શખ્સોએ પૌત્રને પતાવી દેવાની ધમકી આપી વૃદ્ધને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી.
ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણ કરાતાં એએસઆઇ એસ. સી. જાડેજા તથા સ્ટાફએ બે વૃદ્ધના નિવેદનના આધારે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


