જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં ગૌશાળા રોડ ઉપર જમીનકેસની તકરારનો ખાર રાખી ચાર શખ્સોએ મહિલા સહિતનાઓ ઉપર લાકડાના ધોકા અને પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની મળતી વિગત પ્રમાણે જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં રહેતાં અને મજૂરીકામ કરતાં જીવીબેન વીરમભાઇ કારાવદરા (ઉ.વ.40) નામના મહિલા અને નાગાજણ ભીમા ઓડેદરા વચ્ચે જમીનકેસની તકરાર ચાલતી હતી. આ બાબતનો ખાર રાખી સોમવારે સવારના સમયે અમરાપર ગામમાં ગૌશાળા પાસેના રોડ ઉપર નાગાજણ ભીમા ઓડેદરા, ભરમીબેન નાગાજણ ઓડેદરા, ભાવનાબેન દુદાભાઇ ઓડેદરા, માનવ નાગાજણ ઓડેદરા નામના ચાર શખ્સોએ એકસંપ કરી જીવીબેન ઉપર લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં જીવીબેનને ઇજા પહોંચી હતી. તેમજ સાકળબેન અને સુમિત્રાબેન નામના અન્ય બે મહિલાઓ ઉપર હુમલો કરાતા શરીરે અને માથામાં ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત ત્રણેય મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એચ. ડી. વડાવિયા તથા સ્ટાફએ દંપતિ સહિતના ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


