જામનગર શહેરની બહુચર્ચિત સરકારી ડેન્ટલ કોલેજમાં થયેલા રૂ. 1,36,19,350ના સરકારી ફંડના ઉચાપત કેસમાં જામનગરની એડિશનલ સેશન્સ કોર્ટમાં આરોપી શોભિત ગર્ગની જામીન અરજી પર હાથ ધરાયેલી સુનાવણી ભારે ગરમાગરમ રહી હતી. સુનાવણી દરમિયાન ચાર તપાસનીસ અધિકારીઓ દ્વારા કોલેજના ડીનનો બચાવ કરતાં કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, ડીન દ્વારા કોરા ચેક પર સહી કરવામાં આવી હતી. જો કે, તપાસ અધિકારીઓના આ લૂલા બચાવને કોર્ટે સખત શબ્દોમાં ફગાવી દીધો હતો. કોર્ટે વેધક સવાલ કરતાં સ્પષ્ટ કર્યું હતું કે, ડીને બ્લેન્ક (કોરા) ચેક પર સાઇન કરી તે કોઈ કાયદેસરનો બચાવ બની શકે જ નહીં. જવાબદાર ડીડીઓ (ડ્રોઇંગ એન્ડ ડિસ્બર્સિંગ ઓફિસર) ક્યારેય કોરા ચેક પર સહી કરી શકે જ નહીં. વધુમાં કોર્ટે તપાસ અધિકારીઓની કામગીરી પર આકરી નારાજગી વ્યક્ત કરતા પૂછ્યું હતું કે, “ડીને કહ્યું અને તમે શા માટે માની લીધું?” કોર્ટની આ ટિપ્પણીને પગલે પોલીસની તપાસની દિશા અને નિષ્પક્ષતા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
આ કેસમાં ડીન દ્વારા પોતાના બચાવમાં કોર્ટ સમક્ષ એક વીડિયો રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપી શોભિત ગર્ગ કથિત રીતે ગુનાની કબૂલાત કરી રહ્યો છે. આ વીડિયો પુરાવા સામે આરોપીના વકીલે આકરા પ્રહારો કર્યા હતા. બચાવ પક્ષના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, આ વીડિયોમાં આરોપી કોઈ દબાણ કે ધાકધમકી હેઠળ કબૂલાત નથી કરી રહ્યો તેની શું ગેરંટી છે? વધુમાં તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ડીન કોઈ અધિકૃત તપાસકર્તા અધિકારી નથી, તો પછી તેમને આવો કબૂલાતનો વીડિયો બનાવવાની જરૂર શા માટે પડી? ડીન દ્વારા ભવિષ્યની જામીન અરજીનો સામનો કરવા માટે અગાઉથી જ આવો વીડિયો ઉતારી લેવો તે અનેક શંકાઓને જન્મ આપે છે. વકીલની દલીલ મુજબ આ સમગ્ર ઘટનાક્રમ ડીન પોતાનો બચાવ કરવા માટે કોઈ પૂર્વ આયોજિત કાવતરું ઘડી રહ્યા હોય તે તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.
સુનાવણીના અંતિમ તબક્કામાં આરોપીના વકીલ દ્વારા કેન્દ્ર સરકારની ‘રોગી કલ્યાણ સમિતિ’ની ગાઈડલાઈન કોર્ટમાં રજૂ કરીને કેસમાં નવો વળાંક આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આ સરકારી માર્ગદર્શિકા મુજબ દરરોજ નિયમિતપણે ડેઇલી કેસ બુકની (રોકડમેળ) પુરાંત મેળવીને ક્લોઝિંગ બેલેન્સ મેળવી ડીન સ્પેસિફાય, સહી કરવી ફરજિયાત હોય છે. કોર્ટ સમક્ષ દ્રષ્ટાંત આપતા તેમણે જણાવ્યું કે, માની લઈએ કે ડીન દ્વારા કોરા ચેકમાં સહી કરવામાં આવી હતી, પરંતુ ગાઈડલાઈન મુજબ રજિસ્ટરમાં રકમ અને સમય (કલાક-મિનિટ) તો નોંધાયેલા હોવા જ જોઈએ અને તેનું નિયમિત ક્લોઝિંગ બેલેન્સ પણ ફરજિયાત ટેલી થવું જોઈએ. જે આ કિસ્સામાં શંકાસ્પદ છે. બંને પક્ષોની ઉગ્ર દલીલો અને કાયદાકીય છણાવટ બાદ, આરોપીના વકીલના જણાવ્યા અનુસાર કોર્ટ દ્વારા આગામી 30મી તારીખે આ જામીન અરજી પર પોતાનો અંતિમ ઓર્ડર આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે.


