જામજોધપુર તાલુકાના બાલવા ગામના મહિલા દ્વારા ડિસેમ્બર 2025માં ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહિલાનું અવસાન થયું હતું. મહિલાના પતિ દ્વારા મરણનો દાખલો, નોમિની સહિતના દસ્તાવેજો આપવા છતાં ટેકાના ભાવે વેચાણ કરેલ મગફળીના પૈસા લેવામાં ખેડૂતના પગે પાણી ઉતરી જાય છે.
આ અંગેની વિગત મુજબ જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં રહેતાં ઉર્મિલાબેન નાનજીભાઇ કણસાગરા નામના ખેડૂત મહિલા દ્વારા ગત્ તા. 30 ડિસેમ્બર 2025ના રોજ 1505 કિલો (43 ગુણી) સરકાર દ્વારા ટેકાના ભાવે પરિશ્રમ મંડળી દ્વારા આપવામાં આવી હતી. દરમ્યાન 09 ફેબ્રુઆરી 2026ના રોજ મગફળી ટેકાના ભાવે વેચનાર ઉર્મિલાબેનનું અવસાન થયું હતું. ત્યારબાદ મગફળીના પૈસા મેળવવા માટે મૃતક ઉર્મિલાબેનના પતિ નાનજીભાઇ કણસાગરા દ્વારા મંડળીની સૂચના મુજબ નિયમોનુસાર ખાતેદારના 7/12ના દાખલા, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, મરણનો દાખલા સહિતના દસ્તાવેજો નોમિની કાંતીભાઇ પોલાભાઇના બેન્ક ખાતા, આધારકાર્ડની નકલ સહિતના દસ્તાવેજોનું બિલની રકમ કાંતિભાઇ પોલાભાઇને ચૂકવવા માટે મૃતક મહિલાના પતિ નાનજીભાઇ દ્વારા મંડળીમાં રજૂ કરવામાં આવ્યા હતા.
તમામ જરૂરી દસ્તાવેજો નિયમ અનુસાર અને સૂચના મુજબ મંડળીમાં જમા કરાવી દીધા બાદ ટેકાના ભાવે વેચાણ કરેલી મગફળીની રકમ મેળવવા માટે અવારનવાર ધક્કા ખાવા છતાં પરિશ્રમ મંડળીના સંચાલકો દ્વારા વૃદ્ધ ખેડૂતને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. તેમજ ખેડૂતની વાત મંડળીના સંચાલકો દ્વારા ધ્યાને લેવામાં આવતી ન હતી. મંડળીનું કામ માત્ર માંડવી લેવાની ખરીદી થઇ ગયા બાદ સંચાલકો ખેડૂતને મળતાં પણ ન હતાં. કમિશન લેવા પુરતા કહેવાતા સંચાલકો દ્વારા ખેડૂતની વ્યથાની અવગણના કરતાં હતાં. વૃદ્ધ ખેડૂતને હાલ તો પોતાની મગફળીના પૈસા મેળવવા માટે પગે પાણી ઉતરી જાય છે. આમ, સરકાર ટેકાના ભાવે ખરીદ કરાયેલી મગફળીના પૈસા ખેડૂતે મેળવવા માટે એક ડઝનથી વધારે ધક્કા ખાધા હતા. તેમ છતાં ખેડૂતને પોતે વાવેલી મગફળી સરકારને વેચાણ કર્યા બાદ પણ મગફળીના પૈસા માટે ખેડૂત દ્વારા મામલતદાર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં ખેડૂતને મગફળીના પૈસા મળ્યા ન હતાં. ખેડૂતે કાં તો સરકાર પૈસા વ્હેલા આપે અથવા તેની મગફળી પરત આપે તેવી વ્યથા વર્ણવી હતી.


