લાલપુર તાલુકાના સણોસરા ગામમાં આવેલી ખેતીની જમીનમાં પવન ચકકી લગાડવા માટે ભાડા કરાર કરી 4.22 લાખની રકમ મેળવી લીધા બાદ પવન ચકકીનું કામ વિવાદ કરી અટકાવી દઇ છેતરપિંડીના બનાવમાં પોલીસે ત્રણ ભાઇઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના સણોસરા ગામમાં રહેતાં મારખી કેશુર ગાગલિયા, ડાડુ કેશુર ગાગલિયા અને રામશી કેશુર ગાગલિયા નામના ત્રણ ભાઇઓે પેૈકી મારખીએ વિનોદ બાબુલાલ રાઠોડ (ઉ.વ.46) નામના પવન ચકકીની કંપનીના કર્મચારી સાથે સણોસરા ગામમાં આવેલી સર્વે નંબર 54ની 01-61-97 જમીનમાંથી હે 00-40-47 ચો. મી. વાળી જમીનમાં પવન ચકકી ઉભી કરવા માટે વિનોદ સાથે ભાડા કરાર કર્યો હતો. જે પેટે પવન ચકકીની કંપની પાસેથી રૂા. 4,22,879ની રકમ ચેકથી મેળવી લીધી હતી. ત્યારબાદ જમીનમાં પવન ચકકીનું ફાઉડેશન કંપની દ્વારા ઉભું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્રણેય ભાઇઓએ કંપનીના માણસો સાથે વિવાદ ઉભો કરી કામ અટકાવી દીધું હતું. આ ફાઉડેશન માટે કંપની દ્વારા આશરે 80 લાખનું કામ કરવામાં આવ્યું હતું. કંપની સાથે છેતરપિંડી કરવા ગુનાહિત કાવતરું રચી સર્વે નંબરના પ્રત્યક્ષ કબ્જાઓ બદદાનતથી અરસપરસ બદલાવી કંપની સાથે છેતરપિંડી આચરી હતી.
આ અંગે કંપનીના કર્મચારી વિનોદ રાઠોડ દ્વારા લાલપુર પોલીસ મથકમાં મારખી, ડાડુ, રામશી કેશુર ગાગલિયા નામના ત્રણ ભાઇઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાતા પીએસઆઇ એસ. પી. ગોહિલ તથા સ્ટાફએ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ આરંભી હતી.


