Sunday, May 31, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં વસ્તી ગણતરીની કામગીરીને લઈ વિવાદ - VIDEO

જામનગરમાં વસ્તી ગણતરીની કામગીરીને લઈ વિવાદ – VIDEO

શિક્ષકોની ફરજ ફાળવણીમાં ભેદભાવના સહિતના અનેક ગંભીર આક્ષેપ

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે જામનગર જિલ્લામાં શિક્ષકોની ફરજ ફાળવણીને લઈને વિવાદ ઉભો થયો છે. શિક્ષકોના સંગઠન દ્વારા ફરજ સોંપવાની પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અને ભેદભાવપૂર્ણ વલણ અપનાવવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

- Advertisement -

જામનગર શિક્ષિત મહાસંઘના જણાવ્યા મુજબ વસ્તી ગણતરી માટે શિક્ષકોની પસંદગી અને ફરજ ફાળવણી દરમિયાન એકસરખા માપદંડો અપનાવવામાં આવ્યા નથી. કેટલાક શિક્ષકોને કામગીરીમાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જ્યારે અગાઉ પણ જે શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી હતી તેમને આ વખતે પણ જવાબદારી સોંપવામાં આવી નથી.

- Advertisement -

સંગઠન દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તાલીમ કાર્યક્રમોમાં ગેરહાજર રહેલા કેટલાક શિક્ષકોની હાજરી નોંધવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જો આ બાબત સાચી સાબિત થાય તો સમગ્ર પ્રક્રિયાની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા થઈ શકે છે.

- Advertisement -

આ ઉપરાંત ગંભીર બીમારી, શારીરિક અશક્તિ અથવા અન્ય ખાસ સંજોગો ધરાવતા શિક્ષકોને જરૂરી રાહત આપવામાં આવી નથી, જ્યારે બીજી તરફ કેટલાક શિક્ષકોને બમણી જવાબદારી સોંપવામાં આવી હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. પરિણામે શિક્ષકોમાં અસંતોષની લાગણી વ્યાપી હોવાનું જણાવાયું છે.

શિક્ષિત મહાસંઘે વધુમાં આક્ષેપ કર્યો છે કે ફરજ ફાળવણી દરમિયાન કેટલાક અધિકારીઓના નજીકના અથવા પસંદગીના લોકોને લાભ પહોંચાડવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર પ્રક્રિયા અંગે શંકા અને અસંતોષનું વાતાવરણ સર્જાયું છે.

સમગ્ર મામલે શિક્ષિત મહાસંઘ દ્વારા સંબંધિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને વસ્તી ગણતરીની કામગીરી માટે થયેલી ફરજ ફાળવણીની નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. સાથે જ તમામ શિક્ષકોને સમાન ધોરણે ન્યાય મળે અને પારદર્શક રીતે ફરજો ફાળવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

વસ્તી ગણતરી જેવી મહત્વપૂર્ણ સરકારી કામગીરી શરૂ થતાં જ આ પ્રકારના વિવાદના મંડાણ થતા શિક્ષણ જગત તેમજ સરકારી તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular