જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા ડમ્પિંગ સાઇટ પર છેલ્લા ત્રણ દિવસથી સળગી રહેલી આગ પર કાબૂ મેળવવા માટે જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આજે વહેલી સવારથી નવી વ્યૂહરચના હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગના પાંચ જેટલા ફાયર ઓફિસરોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા પ્રયાસોને કારણે આગ પર આંશિક કાબૂ મેળવવામાં સફળતા મળી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ડમ્પિંગ સાઇટ ખાતે કચરાના ઢગલાઓ અંદરથી સતત ધુંધવાતા રહેતાં આગ બુઝાવવાની કામગીરી મુશ્કેલ બની રહી હતી. જેને ધ્યાનમાં રાખી આજે વહેલી સવારથી જ ફાયર વિભાગના ઈન્ચાર્જ અધિકારી તેમજ આસિ. કમિશનર ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ ફાયર ઓફિસર જે બી રાણા, અનવર ગજ્જણ, ઉમેદ ગામેતી, જયંતિ ડામોર અને કામિલ મહેતા સહિતની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી કચરાની અંદર રહેલી સુષુપ્ત આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ફાયર વિભાગના જણાવ્યા મુજબ આ પ્રયાસો બાદ આગ પર અંદાજે એંસી ટકા સુધી કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગના કારણે ફેલાતા ધુમાડામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હોવાનું જાણવા મળે છે. ફાયર વિભાગે આશા વ્યક્ત કરી છે કે જો પરિસ્થિતિ અનુકૂળ રહેશે તો આજે મોડી સાંજ અથવા રાત્રિ સુધીમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી જશે. સ્થળ પર હાલ પણ ફાયર બ્રિગેડની ટીમો સતત ખડેપગે રહી કામગીરી બજાવી રહી છે.
View this post on Instagram


